• ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાને જામકંડોરણામાં સભા ગજાવી: દોઢ લાખની મેદની ઉમટી પડી, સમગ્ર પંથકમાં દિવાળી જેવો માહોલ
  • નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકારે બધાના બે હાથમાં લાડુ આપી દીધા, સરકાર રાજકોટને દુનિયા સાથે સીધું જોડવા પ્રયત્નો કરી રહી છે: નરેન્દ્ર મોદી
  • “જયેશભાઇ જોરદાર” રાદડિયાએ વટ પાડ્યો, ડોમ ટૂંકા પડ્યા એટલી મેદની ઉમટી

IMG 20221011 WA0021

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ મોરચો સંભાળી લીધો છે. તેઓ કોઈ કચાશ રાખવા ન માંગતા હોય, ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ ખેડી રહ્યા છે. જેમાં આજે તેઓએ અંતિમ દિવસે રાજકોટમાં જામકંડોરણામાં સભા ગજાવી હતી. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજરોજ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાના સંબોધી. આ વેળાએ અંદાજે દોઢ લાખ લોકોની મેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રઘાન નરેન્દ્ર મોદીને ચાંદીનો રથ ભેટમાં આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ. મોદીએ ઉમેર્યું કે, આજે ગુજરાતને આધુનિક અને મલ્ટીમોડલ ઇન્ફાસ્ટ્રકચરનો લાભ મળી રહ્યો છે. આજે ગુજરાતની ઓળખ ફોર લેન, સીકસ લેન, આઠ લેન નો હાઇવેની ઓળબ બન્યું છે. અમારા રાજકોટ, મોરબી, જામનગરના ભાઇઓ નાના કારખાના ચલાવવાનું શરૂ કર્યું, તૈયારીઓ કરો મારા ભાઈઓ આજે તો તમે ગાડીઓ અને મોટર સાયકલના સ્પેર પાર્ટ્સ બનાવો છો પણ તમારી પાસે વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાની તક આવશે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે સુશાસન પર ધ્યાન આપ્યું છે. કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. પહેલા ગુજરાતમા  છાશ વારે કરફ્યુ થતા.

સમુદ્ર કિનારો સાવ કશેય કામ ન આવે એવો પડ્યો હતો. પણ અમે તેને જાગતો કરી દીધો. વ્યાપાર-કારોબાર માટે આકર્ષણ બની રહ્યું છે. રાજકોટને દુનિયા સાથે સીધું જોડવાની કામગીરી કરીએ છીએ. હવે જેતપુરનો માલ-સામાન એક્સપોર્ટ થઈ રહ્યો છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર જે પોલિસી લાવ્યા છે તે બે હાથમાં લાડુ આપ્યા હોય તેવું છે. 100-100 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને રાહતમાં ખાડા ખોદવા જાવું પડતું, અમે પાણી પાછળ તાકાત બનાવી અને ખેડૂતને પાણીદાર બનાવી દીધો. એની પાછળ મા નર્મદાની કૃપા રહી છે.

1665465473513 1665465473513

  • પાછળ બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોદીએ આગળ બેસાડ્યા…!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા ખાતે જનસભા સંબોધન કરવા માટે પધાર્યા છે. ત્યારે મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ભાજપના મંત્રીઓ અને આગેવાનો મંચ પર ઉપસ્થિત હતા. તે દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મંચ પર ઉપસ્થિત હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાછળ લાઈન પર બેઠા હતા.તે દરમિયાન મંચ પરથી ઉચ્ચ આગેવાનનું ભાષણ ચાલતું હતું. તે વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ધ્યાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પડ્યું અને તેઓને બોલાવી કાનમાં ગુફ્તગુ કરતા વિજયભાઈ રૂપાણી આગળની હરોળમાં આવી ગયા હતા. લોકોના કહેવા મુજબ રાજકોટ જિલ્લામાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મીઠો ઠપકો આપ્યો હોય અને સાથો સાથ બેસવાનું કહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  • પહેલા ગુજરાતીઓ બહાર ફરવા જતા, હવે ગુજરાત જ ટુરિસ્ટ પ્લેસ બન્યું

મોદીએ વધુમાં જણાવ્યું કે, પહેલા રોજગાર માટે વલખા મારતુ હતું ગુજરાત, આજની સરકારે પરિસ્થિતિ બદલી અભાવનો પ્રભાવ ન પડે તે માટે પ્રયાસ કર્યો. ખેડૂત ભાઇઓ વરસાદ મોડો આવે કે ઓછો પડે તો તેમની આખી મહેનત પાણીમાં જતી. વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડોની ભરમાર રહેતી. પહેલા ગુજરાતના લોકો ભય અને આંતકના વાતાવરણમાં જીવતા. આજે કોરોના કાળના બે વર્ષ પછી નવરાત્રીમાં દાંડીયાની રમઝટ ગુજરતીઓએ બોલાવી છે. પહેલા ટુરિઝમમાં એક સમય એવો હતો કે ગુજરાતીઓ બહાર જાય પરંતુ હવે ચક્ર બદલાયું દુનિયા ગુજરાતની ટુરીસ્ટ બને છે. સરદાર સાહેબનું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનીટી લોકો જોવા આવે છે પરંતુ એક જમાત નથી જતી. કોંગ્રેસ વાળા મિત્રોને પુછજો કે સરદાર સાહેબના સ્ટેચ્યુ જોવા ગયા કે નહી.?  ગુજરાતના સપુતનું સન્માન કરવાનું સામર્થ્ય ન હોય તેવા લોકોની સ્વીકૃતિ ગુજરાતની ઘરતી પર ન હોઇ શકે.

  • સરકારના વડા તરીકે કામ કર્યું તેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ

મોદીએ  જણાવ્યું કે, સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યુ તેના 21 વર્ષ પુરા થયા તેની શરૂઆત રાજકોટની ઘરતીથી થઇ હતી રાજકોટે આશિર્વાદ આપ્યા હતા. આ ભૂમિ આપણા જલારામ બાપુ, ખોડિયાર માતાજીની છે. મહિનાઓ વિતી ગયા વર્ષો વિતી ગયા પરંતુ ગુજરાતમાં વિકાસના કાર્યોનું આયોજન સતત નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે. તેની પાછળ માત્ર સરકાર નહી જનતાની મહેનતને કારણે શક્ય બન્યું છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે તેના માટે કચ્છ, કાઠીયાવાડ અને રાજકોટની ઘરતીને નમન કરુ છું. ગુજરાતની આશા,અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો છે અને આદેશ માટે જાત ખપાવી દેવાનો અમારો પ્રયત્ન છે. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કરી છે.

  • જયેશ રાદડિયાની ટીકીટ તો પાક્કી જ, સાથે મોટું પદ પણ મળવાનું નિશ્ચિત

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધો છે. આજે પ્રવાસના ત્રીજા દિવસે નરેન્દ્ર મોદીએ આજે રાદડિયાના ગઢમાં જંગી સભા ગજવી હતી ત્યારે સભાસ્થળે મોદી-મોદીનો હર્ષનાદ ગુંજી ઊઠ્યો હતો. આ સભામાં જંગી માનવમેદની ઊમટી હતી, જેને કારણે બબ્બે ડોમ પણ ટૂંકા પડ્યા હતા. આજે જયેશ રાદડિયાના ગઢમાં જાહેરસભાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.બીજી તરફ રાદડિયાની ટીકીટ તો નિશ્ચિત જ ગણાય છે. આ ઉપરાંત તેઓને મોટું પદ સોંપવાનું પણ અંદરખાને નક્કી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

  • જનસભામાં ઉમટેલી જનમેદની જ પીએમ મોદીની લોકચાહના બતાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

IMG 20221011 WA0022

રાજકોટ જિલ્લામાં જનસભામાં ઉમટેલી જનમેદનીએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે તે જ તેમની લોકચાહના બતાવે છે. સૌ નો સાથ સૌ નો વિકાસ વાતને પુરવાર કરી આજે જે અત્રે એકત્રિત થયા છે તે જનતાના પ્રેમને સમર્પણ છે. રાજકોટના લોકોએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટી ગાંધીનગર મોકલ્યા હતા. તે પૂર્વે સૌરાષ્ટ્રની સ્થિતિ બહુ જ ખરાબ હતી.

પાણી માટે લોકો વલખાં મારતા હતા. પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ વિકાસની રાહે જોર પકડ્યું છે. નર્મદાનો પાયો નાખવા છતાં પણ ગુજરાતના લોકોને મળતું નહિ. પરંતુ તે જ પાણીને ન ફક્ત આસપાસના લોકો પરંતુ સૌની યોજના હેઠળ માં નર્મદાના નીર ઘરે ઘરે પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના ગામોને જ્યોતિ ગામ યોજનાથી વડાપ્રધાન મોદીએ જડહડીત કર્યા છે. તેમના કારણે જ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રવાસનધામ બન્યું છે. શિક્ષણ, આરોગ્ય,આવાસ અને રોજગારી જેવા મુદ્દા પર પણ સરકારે મહત્વનું ધ્યાન રાખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ એઈમ્સ રાજકોટમાં અને આંતરાષ્ટ્રિય એરપોર્ટ સહિતની અનેક ભેટ આપી છે.

  • મોદી હે તો મુમકિન હે, ભાજપ હે તો ભરોસા હૈ: સી.આર.પાટિલ

IMG 20221011 WA0023

વડાપ્રધાનને આવકારવા રાજકોટ જિલ્લો આજ ઉભરાયો છે જેના કારણે વિરોધીઓના હોશ અત્યારથી જ ઉડી ગયા છે. હજુ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેક ભેટ આપવાની બાકી છે. જેનું મોટું સમર્થન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનું છે. વડાપ્રધાન નાના માણસોનો પણ વિચાર કરીને તેમના સવાલોના સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા છે. લોકો કહે છે મોદી હૈ તો મુમકિન છે. તો બીજી તરફ ભાજપ હે તો ભરોસા છે તેમ પણ લોકોનું કહેવું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ તાકાત સાથે લોકોની પડખે ઊભા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના જેવી મહામારીમાં એક પણ વ્યક્તિ ભૂખમરા થી મર્યું નથી

  • આસપાસની પાંચ વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા

જામકંડોરણા ખાતેની સભામાં કુલ 1000 જેટલી બસ, 1000 જેટલી ટ્રક, આઇસર અને ટ્રેક્ટર જેવાં ખુલ્લાં વાહનો તેમજ 3000થી વધારે ફોર-વ્હીલર વાહનોમાં રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી દોઢ લાખ જનમેદની એકઠી કરવામાં આવશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

  • એક લાખથી વધુ લોકોએ માણ્યો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પુરીનો જમણવાર

સભા બાદ દોઢ લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે, દોઢ લાખ લોકોનાં શક્તિપ્રદર્શન સાથે જમણવાર થયો છે. આ માટે ઘીના 250 ડબ્બામાંથી 18 ટન મોહનથાળ બનાવવાની બે દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. મહિલાઓ અને પુરુષો માટે અલગ ભોજન વ્યવસ્થા કરી 200 જેટલાં કાઉન્ટર પર ભોજન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. ભોજનમાં ચોખ્ખા ઘીનો બનેલો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પૂરી, છાશ, સલાડ બનાવવામાં આવ્યા હતા. આ દોઢ લાખ લોકોનું જમવાનું તૈયાર કરવામાં કુલ 250 ડબ્બા શુદ્ધ ઘીમાંથી 18 ટન મોહનથાળ તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે 6 ટન ગાંઠિયા અને 13 ટન રોટલી બનાવવામાં આવી હતી. સાથે જ 4 ટેન્કર છાશ અને લાખો લિટર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

  • કોંગ્રેસે ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો

આજે ભાજપના સમર્થકો અંહી મોટી સંખ્યામાં છે ત્યારે હું તમને ચેતવું છું કે હું દિલ્હી બેઠો છું એટલે બધુ દેખાય છે કે દિલ્હીથી ગુજરાત માટે કેવા ખેલ થઇ રહ્યા છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા તે લોકો ગુજરાતના અહિત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 20 વર્ષ મને પણ હેરાન કરવામાં કશું બાકી રાખ્યુ ન હતું. ગુજરાતને બદનામ કરવામાં બાકી રાખ્યુ ન હતું. સોનાની જેમ ગુજરાત તપીને બહાર નીકળ્યુ છે. ચૂંટણી સમયે મારા માટે એવા અપ શબ્દો વપરાય જેમાં મોત ના સોદાગર થી લઇ કશુ બાકી ન રાખ્યુ તે સમયે ગુજરાતે દાત કચ કચાવીને મતદાન કરીને જવાબ આપ્યો તો પણ સુઘરતા નોહતા આ વખતે નવી ચાલ ચાલી રહ્યા છે તે સમજી લેજો.  આ વખતે કોંગ્રેસ કોઇ સભા નથી કરતી, કોઇ પ્રેસ નથી કરતી. હવે કોંગ્રેસ મારા પર અપશબ્દો નથી બોલતી કારણ કે કોંગ્રેસ નવી ચાલ રમી રહ્યુ છે. કોંગ્રેસ હવે ચુપ ચાપ ગામડે ગામડે ખાટલા બેઠક કરી રહી છે. હોબાળા કરવાનો ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો છે. ગુજરાતની જનતા ગુજરાત વિરોઘીઓનો ખેલ પરાસ્ત કરશે તેવો મને વિશ્વાસ છે.

  • વડાપ્રધાનને રાજકોટથી ભાવભેર અપાઈ વિદાય

1665478211643

જામકંડોરણામાં સભા ગજાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગેથી રાજકોટ એરપોર્ટ પધાર્યા હતા. અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ જવા રવાના થયા તે પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવ ચીફ સેક્રેટરી  પંકજકુમાર અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તેઓને ભાવભેર વિદાય આપી હતી.

  • ગુજરાત શિક્ષણનું  હબ બન્યું, અન્ય રાજયોના છાત્રો હવે ભણવા માટે અહીં આવે છે

મોદીએ કહ્યું કે, આજે ગુજરાતની ઓળખ એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત. વિકાસ અને ગુજરાતનો એક અલગ સબંધ બન્યો છે. આજે કોઇ પણ સેકટરમાં આકડાથી સમજી શકો કે આપણા ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે. ગુજરાત આજે શિક્ષણનું હબ બન્યુ છે. અન્ય રાજયોના વિદ્યાર્થીઓ હવે ભણવા માટે ગુજરાતની પસંદગી કરે છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 26 એન્જિનયરિંગની કોલેજો હતી અને આજે 130 એન્જિનયરિંગ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 9 એમસીએ કોલેજ હતી આજે 65 કોલેજો છે.

20 વર્ષ પહેલા ગુજરાતમાં 300 આઈટીઆઈ હતી આજે 600 છે. 20 વર્ષ પહેલા માત્ર 30 એમબીએ કોલેજ હતી આજે 100 કોલેજો છે. 20 વર્ષ પહેલા 13 ફાર્મસી કોલેજો હતી આજે 75 કોલેજો છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી આજે 100 યુનિવર્સિટી. 20 વર્ષ પહેલા 800 કોલેજો હતી આજે 3 હજાર કોલેજો છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજો હતી આજે 36 મેડિકલ કોલેજ છે. હવે માતૃભાષામાં એન્જિયરિંગ શરૂ કરાવ્યુ. 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આજે દેશમા નહી દુનિયામાં પણ નામના મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.