બે દિ’પૂર્વ યુવક પર થયેલા હુમલાના બનાવમાં કલમ 308 હેઠળ ગુનો નોધવા સ્થાનીકોએ મોરચો માડયો
અબતક, ઋષિ મેહતા, મોરબી
મોરબીની ઉમા ટાઉનશીપ વિસ્તારમાં બે દિવસ અગાઉ યુવક પર જીવલેણ હુમલો કરનારા રીઢા આરોપીઓ પર આઈપીસી 307 લગાડી કડક પગલા લેવાની માંગ સાથે સ્થાનિકોએ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી.
બનાવની વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ સોસાયટીમાં ગણપતિ ઉત્સવ ચાલતો હોય જેને લઈને સોસાયટીના યુવક રાહુલ વિડજા દ્વારા વચ્ચે પડેલ ગાડી સાઈડમાં રાખવાનું કહેતા સોસાયટીના પ્રકાશ ફુલતરિયા અને તેના ઘરે આવેલ અમૃત કુંડારિયાએ યુવકને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં અમૃતનો દીકરો નિશિત બહારથી ત્રણ માણસોને બોલાવી અને ગાડી હટાવવાનું કહેતા યુવક રાહુલને સમાધાન માટે બોલાવીને ધોકા અને છરી જેવા હથિયારો સાથે તૂટી પડયા હતા.
જેમાંથી કોઈ શખ્સ એ રાહુલને માથામાં છરીનો મુઠનો ઘા મારતા રાહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.
જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આઈપીસી 323,324,504,506(2),114 મુજબ ગુનો નોંધી આરોપી અમૃત હરજીભાઈ કુંડારિયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરિયા, તોસિફ મોહમદ બ્લોચ, નદીમ ઉર્ફે ઢારીયો અબ્દુલ બ્લોચ, અનવર મુસા કુરેશી તેમજ નિશિત અમૃતભાઇ કુંડારિયાની ધરપકડ કરી. પરંતુ આ હુમલામા રાહુલ વિડ્જાને માથામાં ઇજા થઇ હોવાથી મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સાથે રાખીને સ્થાનિકો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને કલમ 307 નો ઉમેરો કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મોરબીજિલ્લા કલેકટર દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી.
અત્રે નોંધનિય છે કે આરોપી પ્રકાશ ફૂલતરિયાનો પુત્ર મિલન ફૂલતરિયા કોઈકના કારખાનાના એડ્રેસ પર દારૂનું પાર્સલ મંગાવવાના ટંકારા પોલીસ મથકના ગુનામાં ફરાર છે ત્યારે પિતા અને તેના બનેવી તેમજ વેવાઈ અને અન્ય લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ દારૂ પીને ટીંગલ કરવા નાના મોટા ઝઘડા કરવા એ આરોપીઓની ટેવ હોવાથી સ્થાનિકો કાયમી ભયના ઓથાર હેઠળ આ ઉમા ટાઉનશિપ સોસાયટીમાં રહે છે.