ત્રણ ગામના લોકોએ હાઇવે ચક્કાજામ કર્યો
ચોટીલા-રાજકોટ હાઇવે છ માર્ગીય કરવાનું કામ પ્રગતિમાં ગરનાળું બનવાથી લોકોનાં ધંધા રોજગારને અસર થવાનો ભય
ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે છ માર્ગીય કરવાનું કામ હાલ ચાલુ છે. જેમાં જાનીવડલા ગામ પાસે ગરનાળું અને સર્વિસ રોડ બનાવવામાં આવનાર છે. જેને લઇને ગામલોકોના ધંધા રોજગારને અસર થવાનો ભય હોઇ તેના વિરોધમાં જાનીવડલા, ચાણપા અને ખેરડીના ગામલોકોએ હાઇવે ચક્કાજામ કરતા રસ્તા પર વાહોનોની કતારો લાગી ગઇ હતી.
ચોટીલાનાં ચાણપા, ખેરડી અને જાનીવડલા ગામની કેટલીક જમીનો હાઇવે ટચ આવેલી છે. તેમજ આ હાઇવે ઉપર આવેલી હોટેલોમાં ત્રણ ગામનાં 200 થી વધુ લોકોને રોજગારી મળી રહે છે. જાનીવડલા ગામનાં બોર્ડ પાસે નવા બની રહેલા છ માર્ગીયર રસ્તામાં ગરનાળુ અને બંન્ને તરફ 400 મીટરનાં સર્વિસ રોડ બનાવવાનો પ્લાનીંગ આવતા સ્થાનિકોનો ધંધો રોજગાર ભાંગી જવાનો ભય ઉભો થયો છે.
આથી ચાણપા, ખેરડી, જાનીવડલા ગામનાં લોકોએ ગરનાળાના બદલે સર્કલ બનાવાની માંગ સાથે હલ્લાબોલ કરી હાઇવે ચક્કાજામ કર્યો હતો. આ અંગે રાજુભાઇ , મહેન્દ્રભાઇ, મહેશભાઈ સહિતનાએ જણાવ્યું કે હાઇવેનો વિકાસ ભલે કરાય પરંતુ લોકોનાં ધંધા રોજગારનાં ભોગે ન હોવો જોઇએ.