- જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ પ્રતિનિધિઓને રહ્યા ઉપસ્થિત
- સલામતીના અક્ષર ચાર સમજો તો બેડો પાર
રાજકોટ નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. હાઇવે પર વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે રોડ એન્જિનિયરિંગ અને સાઈનેજીસ પર ભાર મુકતા નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું હતું કે, ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા જરૂરી છે. તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી જ વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂધ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે પ્રકારે આયોજન કરવા ખાસ સૂચના આપી હતી.
હાઇવે પર રખડતા ઢોરના કારણે સંભવિત અકસ્માત ટાળવા ઢોર દૂર કરવા અને જરૂર પડ્યે તેમના માલીક પર કાયદેસર કાર્યવાહી કરવા પણ તેઓએ તાકીદ કરી હતી.
વાહન ચાલકો સીટબેલ્ટ તેમજ હેલ્મેટ પહેરે તે તેમની જ સુરક્ષા માટે જરૂરી હોઈ તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તેમ ગાંધીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું. શાળા-કોલેજમાં જનજાગૃતિના વધુને વધુ કાર્યક્રમો કરવા સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું.
ધોરીમાર્ગો પર અકસ્માતનું પ્રમાણ સતત ઘટે તે દિશામાં કરવામાં આવતી કામગીરી અર્થે રોડ રીપેરીંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ આઈ, રમ્બલ સ્ટ્રીપ, સ્પીડ લીમીટ, સ્પીડ બ્રેકર, સાઈનેજીસ, હાઇવે – એપ્રોચ કનેક્ટિવિટી પાસે રોડ એન્જિનિયરિંગ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે નેશનલ હાઇવે, આર.એન્ડ.બી. સ્ટેટ તેમજ ગ્રામ પંચાયતના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ડિવિઝન રૂડા દ્વારા સાઈનેજીસ, રમ્બલ સ્ટ્રીપ સહિતની કામગીરીની વિગતો પુરી પાડી હતી.
આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, હેલ્મેટ અંગે ચલાવવામાં આવેલી ઝુંબેશ, જનજાગૃતિ અંગે કરવામાં આવેલા સેમિનારની વિગતો પૂરી પાડવામાં આવી હતી.
આ બેઠકમાં આર.ટી.ઓ અધિકારી કે. એમ. ખપેડ, રોડ સેફટી કાઉન્સિલના જે.વી.શાહ, ટ્રાફિક એ.સી.પી. ગઢવી સહીત એન.એચ.એ.આઈ., એન.એચ. ડિવીઝન, ડીસ્ટ્રીકટ આર.એન્ડ.બી., સિવિલ, 108 સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.