વોર્ડ નં.11માં સિલ્વર ગોલ્ડ, ગોલ્ડ રેસિડેન્સી, ગોવિંદરત્ન બંગ્લોઝ અને તિરૂપતી પાર્ક સહિતની 6 સોસાયટીઓમાં ઉનાળાના આરંભે જ પાણીનો પોકાર: મહિલાઓની પદાધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકારે માર્ચ મહિનામાં જ શહેરની જળજરૂરિયાત સંતોષતા જળાશયોને છલોછલ ભરી દીધા છે. છતાં તંત્રની અણઆવડતના પાપે શહેરીજનોને નિયમીત 20 મિનિટ પણ પીવાનું પાણી મળતું નથી. ઉનાળાના આરંભે પાણીની હાડમારી સર્જાય છે. શહેરના વોર્ડ નં.11માં અલગ-અલગ 6 સોસાયટીઓમાં પાણીના ધાંધીયાના પ્રશ્ર્ને ગઇકાલે મહિલાઓ દ્વારા મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એક સપ્તાહનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અન્યથા પાણી પ્રશ્ર્ને ઉગ્ર આંદોલન છેડવાની ધમકી આપી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.11માં સિલ્વર ગોલ્ડ સોસાયટી, ગોલ્ડ રેસિડેન્સી, ગોવિંદરત્ન બંગ્લોઝ, તિરૂપતી પાર્ક સહિતની 6 સોસાયટીઓમાં ઉનાળાના આરંભે જ પાણીનો પોકાર ઉભો થયો છે. પૂરતા ફોર્સથી પાણી મળતું ન હોવાના કારણે લોકોએ રોજ વેંચાતુ પાણી લેવું પડે છે. છેલ્લા 12 વર્ષથી આવી ફરિયાદો છે. અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં દર ઉનાળે સમસ્યા યથાવત રહે છે. ગઇકાલે અલગ-અલગ સોસાયટીઓની મહિલાઓનું ટોળું કોર્પોરેશનની કચેરીએ ધસી આવ્યું હતું અને મેયર ડો.પ્રદિપ ડવને ઉગ્ર રજૂઆત કરી હતી. એક સપ્તાહમાં જો પાણી પ્રશ્ર્ન નહિં ઉકેલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
વોર્ડ નં.11ની અલગ-અલગ સોસાયટીઓને ક્યા કારણોસર પૂરા ફોર્સથી પાણી મળતું નથી તે અંગે તપાસ કરવા અને ઘટતું કરવા પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવી છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટ ઝોનના સિટી એન્જીનીંયર એચ.યુ.ડોઢીયાને પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા તાકીદ કરી દેવામાં આવી છે. શક્ય તેટલો ઝડપી પ્રશ્ર્ન ઉકેલી દેવામાં આવશે. છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીઓમાં પાણીની ફરિયાદ હોય તેવી મારા સમક્ષ એકપણ રજૂઆત આવી નથી.