વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં વિવિધતામાં એકતાની સામાજીક પરિસ્થિતિમાં સામાજીક સમાનતાનો ભાવ ઉજાગર કરવા માટે આઝાદી બાદ સમાજના આર્થિક, સામાજીક પછાત વર્ગનો સમતોલ વિકાસ થાય તે માટે 10 વર્ષ માટે હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલી અનામત પ્રથા હવે પુન: સમીક્ષાનો વિષય બની છે. પ્રથા શરૂ થઈ ત્યારે નક્કી કરાયું હતું કે, અનામત આપવાથી પછાત વર્ગની કેટલા પ્રમાણમાં તરક્કી થાય તેના માપદંડ અને સમીક્ષા બાદ તેને આગળ વધારવી કે કેમ તે નક્કી થયું હતું. પરંતુ અનામતની ક્યારેય સમીક્ષા થઈ જ નથી અને આજે વિવિધ વર્ગને અપાતી અનામતનું પ્રમાણ 50 ટકા જેટલું પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને અનામત ક્વોટાની ટકાવારી નક્કી કરવાનું જણાવી દીધુ છે ત્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યદીયુરપ્પાએ અનામત ક્વોટા 50 ટકાથી વધુ કરવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે 1992ની સ્થિતિએ અનામતની ટકાવારી નક્કી કરવાનું રાજ્ય સરકાર પર છોડ્યું છે ત્યારે કર્ણાટકની કેબીનેટ બેઠકમાં અનામત પ્રથાની ટકાવારી 50 ટકાથી વધુ કરવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળ્યું છે. ન્યાયમૂર્તિ નાગમોહન દાસની એક સભ્યની કમીટીએ 2 ટકા વધારાની દરખાસ્ત કરી હતી. જેમાં અનુસુચિત જાતિના ક્વોટામાં 15 થી 17 ટકા અને અનુસુચિત જનજાતિના ક્વોટાને 3 માંથી 5 ટકા વધારવાનું નક્કી કર્યું છે. હવે પછાત સમુદાયો દ્વારા અનામતની માગણી ઉઠતા સરકારે 56 ટકા જેટલું અનામત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ઉભી કરેલી યાદીમાં તમામ વર્ગના આર્થિક પછાત પરિવારો માટે 10 ટકાની વધારાની અનામતની જોગવાઈ કરી છે.
કર્ણાટકમાં અત્યારે 7 પ્રકારની અનામત છે જેમાં ઓબીસીને 5, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનો સમાવેશ થાય છે. હવે સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અનામતની મુળભૂત 50 ટકાથી વધારવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટક સરકારના આ નિર્ણયનો અમલ ન્યાયીક રીતે સાર્થક થશે કે કેમ ? તે આવનારો સમય બતાવશે પરંતુ અનામત પ્રથાની સમીક્ષાની બંધારણીય ભલામણ વિસરાય ગઈ હોવાથી વધતી જતી અનામતના કારણે સામાન્ય વર્ગ માટે હવે ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવી રહી છે. અનામત પ્રથાથી પછાત વર્ગના લાભ અને બિન અનામત વર્ગના હિત અંગે હવે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.