નોકરી કે, બઢતી માટે અનામત મુદ્દે અદાલત રાજ્ય સરકારને કોઈ સુચન આપી શકે નહીં, રાજ્યોને ક્વોટા આપવા માટે બાંધી શકાય નહીં
અનામત એ બંધારણીય અધિકાર નથી, જો સરકાર નોકરી કે બઢતીમાં અનામત આપવાનું ઈચ્છે નહીં તો અનામત માટે દબાણ લાવી શકાય નહીં તે પ્રકારનો ચુકાદો તાજેતરમાં દેશની વડી અદાલતે આપ્યો હતો. એકંદરે વડી અદાલતે નોંધ્યું હતું કે, રાજ્યને અનામત ક્વોટા આપવા માટે બાંધી શકાય નહીં. વડી અદાલતના આ ચુકાદાએ ઉત્તરાખંડ હાઈકોર્ટના વર્ષ ૨૦૧૨માં આપેલા ચુકાદાને બદલી નાખ્યો છે. જેમાં રાજ્ય સરકારના કેટલાક સમુદાયના ક્વોટા આપવાનું સુચન થયું હતું. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૮માં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું હતું કે, ક્રિમીલેયરને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળી શકે નહીં. દરમિયાન અનામત પ્રથાએ અધિકાર છે કે નહીં તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા હતા.
જસ્ટીસ એલ.નાગેશ્ર્વર રાવ અને જસ્ટીસ હેમંત ગુપ્તાની ખંડપીઠે ગત ૭ ફેબ્રુઆરીના રોજ અનામત અંગે ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, રાજ્ય સરકાર અનામત આપવા માટે બંધાયેલી નથી. કોઈપણને બઢતી માટે અનામતનો દાવો કરવાનો મુળભૂત અધિકાર વિરાસતમાં મળ્યો નથી. અદાલત રાજ્ય સરકારને અનામત આપવા માટે કોઈ સુચન આપી શકે નહીં. અદાલતના આ ચુકાદાના કારણે નોકરી અને બઢતીમાં અનામત બંધારણીય અધિકાર ન હોવાની બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે.
ભારતીય બંધારણના ત્રીજા ભાગમાં કલમ ૧૫ (૪), (૫) અને ૧૬ (૪)માં અનામતનો ઉલ્લેખ છે. જો કે, ત્રીજો ભાગ મુળભૂત અધિકારો અંગે આલેખાયો છે. પરિણામે એવુ ધારી લેવામાં આવે છે કે, અનામત એ મુળભૂત અધિકારોનો હિસ્સો છે. આ મામલે નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના વાઈસ ચાન્સલર ફૈઝન મુસ્તફાનું કહેવું છે કે, જો બંધારણનું ઝીણવટી અર્થઘટન કરવામાં આવે તો એવું જણાય આવશે કે અનામત મુળભૂત અધિકાર હોવાની વાતનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ જો બંધારણનો છુટછાટી ર્અઘટન થાય તો સમાન્તાના અધિકાર મુજબ આરંક્ષણ મુળભૂત અધિકારમાં સમાવી શકાય. જો કે, આ મુદ્દે અનેક અન્ય તર્કો પણ મુકવામાં આવી રહ્યાં છે.