બેંકો પરના ધીરાણના નિયંત્રણો ઘટાડી તરલતા લાવવાના RBIના પ્રયાસો
માર્કેટમાં તરલતા વધારવા અને ક્રેડીટ ને લઇ આરબીઆઇ તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. જો કે ગવર્નર ઉર્જિત પટેલે પી.એમ. મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી આ ઇસ્યુ હલ કરવા પર ચર્ચા કરી હતી. જેના પગલે આરબીઆઇએ તાજેતરમાં રૂપિયા ૧૨૦૦૦ કરોડ માર્કેટમાં વહેતા કરી રૂપિયાની તરલતા વધારવા પ્રયાસ કર્યો હતો તો આ માટે હજુ રીઝર્વ બેંક વાણિજયક બેંકોની મૂડીમાં પણ ફેરફાર કરાવે તેવી શકયતા છે.
રીઝર્વ બેંકે બોન્ડ સહિતની ગવર્નમેન્ટ સિકયુરીટી ખરીદી ૧ર હજાર કરોડ રૂપિયા માર્કેટમાં ઠાલવ્યા છે. તો હવે આ ગવર્નમેન્ટ સિકયુરીટી સાથે ભારતીય બેંકોની મુડીમાં ફેરફાર કરાય તેવા સંકેતો આરબીઆઇ બોર્ડના સભ્ય એસ. ગુરુમૂર્તિએ આપ્યા છે.
તેમણે આ અંગે જણાવ્યું છે કે ભારતીય બેંકો પર રહેલા ધીરાણના નિયંત્રણો ઘટાડી માર્કેટમાં વધુ તરલતા લાવી શકાય છે આ માટે કેશ રીઝર્વ રેશીયો અને લીકવીડીટી રેશીયોમાં પર ફેરફાર કરાય તેવી શકયતા છે.
આગામી સોમવારના રોજ આરબીઆઇના બોર્ડ ઓફ ડાયરેકટરની અહમ મીટીંગ પણ મળવા જઇ રહી છે. જેમાં તરલતા અને ક્રેડીટ મામલોને લઇ વિશેષ ચર્ચાની ધારણા છે. જો કે છેલ્લા થોડા દિવસોથી ચાલતી આવતી ખટપટ આ બેઠક પહેલા ખત્મ થાય તેવા પ્રયાસોમાં આરબીઆઇ અને સરકાર બંને ઝુકાવ્યું છે.