રેપોરેટ હવે 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયો: મોનિટરી પોલીસી કમિટીની બેઠક બાદ આરબીઆઈ ગવર્નરની જાહેરાત
અબતક, નવી દિલ્હી
ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. આ વખતે 50 બેસીસ પોઇન્ટનો વધારો કરી રેપોરેટને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે. એટલે હવે લોન મોંઘી થશે અને વધુ ઇએમઆઈ ચુકવવો પડશે. વ્યાજ દર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલીસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં વ્યાજ દરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.
હાલ અર્થતંત્રની ગાડીને વધુ ઝડપ આપવા સરકાર લાંબા ગાળાના પગલાં લઈ રહી છે. જે માટે ફુગાવા ઉપર નિયંત્રણ લેવા સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બુધવારે સમાપ્ત થયેલ જૂન માસની મોનિટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજદરમાં 0.50%નો વધારો કરતા હવે રેપો રેટ 4.90% થયો છે. એમપીસીના તમામ સભ્યોએ એકમતે 0.50%નો વ્યાજદર વધારો કરવાનો મત આપ્યો હતો.
આ સિવાય બેંકો માટે અતિ મહત્વના એમએસએફ રેટમાં પણ આરબીઆઈએ વ્યાજદર વધાર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી દર પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બંને દર અનુક્રમે વધારીને 4.65% અને 5.15% કર્યા છે. આ સિવાય એમપીસીએ મોનિટરી પોલિસીને અકોમોડેશનથી અગ્રેસિવ કરવા માટે મહત્વના જરૂરી પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ દર હોય છે જેની પર આરબીઆઈ પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ તે દરને કહે છે જેની પર બેન્કોને આરબીઆઈ પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, તો બેન્ક પણ વ્યાજ દર ઘટાડે છે. એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજ દર ઓછો હોય છે, સાથે જ આરબીઆઈ પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે તો વ્યાજ દરમાં વધારાના કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઉંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબુર થવું પડે છે.
વર્લ્ડ બેન્કે ભારતની જીડીપીની વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7.5 ટકા કર્યો
ફુગાવામાં વધારો, સપ્લાય ચેઇનના અવરોધ અને ભૂરાજકીય તંગદિલીની વચ્ચે વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિરના અંદાજને મંગળવારે ઘટાડીને 7.5 ટકા કર્યો છે. 2022-23ના નાણાકીય વર્ષ માટે વર્લ્ડ બેન્કે ભારતની જીડીપીની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હોય તેવું આ બીજી વખત બન્યું છે. આમ આ વૈશ્વિક નાણાસંસ્થાએ ભારતની જીડીપી વૃદ્ધિના અંદાજમાં ચાલુ વર્ષે 1.2 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે.
અગાઉ એપ્રિલમાં વર્લ્ડ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિ અંગેના તેના અંદાજને 8.7 ટકાથી ઘટાડીને સીધો 8 ટકા કર્યો હતો અને હવે તેને ચાલુ વર્ષે ભારતની જીડીપીમાં 7.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે. ભારતે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2022-12માં જીડીપીમાં 8.7 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ અંગેના તાજા રીપોર્ટમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે 2022-23ના વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ છે. મહામારી પછી સર્વિસ ક્ષેત્રમાં મજબૂત રિકવરી આવી હતી, પરંતુ ફુગાવામાં વધારો, સપ્લાય ચેઇનના અવરોધ અને ભૂરાજકીય તંગદિલીને કારણે આ આ અસર સરભર થઈ જશે. ભારતની આર્થિક વૃદ્ધિને ખાનગી ક્ષેત્ર અને સરકારના ફિકસ્ડ રોકાણથી સપોર્ટ મળશે. સરકારે બિઝનેસના વાતાવરણમાં સુધારો કરવા પ્રોત્સાહન આપ્યા છે અને આર્થિક સુધારા કર્યો છે. વર્લ્ડ બેન્કનો જીડીપી વૃદ્ધિનો અંદાજ
તેના જ જાન્યુઆરીના અંદાજ કરતાં આશરે 1.2 ટકાનો ધરખમ ઘટાડો દર્શાવે છે.
વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે ભારતની આર્થિક વૃદ્ધિર 2023-24માં વધુ ઘટીને 7.1 ટકા થશે. જોકે ભારતનું અર્થતંત્ર લાંબા ગાળા માટે મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવે છે. ઇંધણથી લઇને શાકભાજી અને રાંધણ ગેસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં વધારાને પગલે એપ્રિલમાં દેશમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઉછળીને 15.08ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો પણ વધીને 7.79 ટકા થયો હતો, જે આઠ વર્ષના ઊંચા સ્તરની નજીક છે. કારમી મોંઘવારીને કારણે રિઝર્વ બેન્કે ગયા મહિને એક ઇમર્જન્સી બેઠક યોજી હતી અને વ્યાજદરમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ફરી આજે પણ વધારો કર્યો છે.