રિઝર્વ બેન્કે બે દિવસીય બેઠકના અંતે બુધવારે ‘ન્યુટ્રલ’ સ્ટાન્સ જાળવી રાખી રેપો રેટ 6%ના દરે યથાવત રાખ્યા હતા. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતા હેઠળની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં 5 વિરુધ્ધ 1 મતથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કમિટિની સભ્ય આર ધોળકિયાએ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો મત દર્શાવ્યો હતો. આમ, સામાન્ય લોકો અને ઉદ્યોગોની સસ્તા દરની લોન માટેની આશાને હાલ નિરાશા મળી છે. સસ્તા ધિરાણ માટે ફેબ્રુઆરીમાં મળનારી આગામી મીટિંગ સુધી રાહ જોવી પડશે. જોકે, મોટા ભાગના એક્સપર્ટસે રેટ કટની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક તરફથી ઇશ્યુ થયેલા મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ફુગાવાને 4 ટકાની રેન્જમાં રાખવા અને ગ્રોથને સપોર્ટ કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પોલિસી રેટમાં કોઇ ફેરફાર નહિ કરવાનો નિર્ણય લેવાયો છે. રોઈટર્સ સહિતના પોલમાં બે એનાલિટ્સે વ્યાજદર યથાવત જળવાઈ રહેવાની શક્યતા દર્શાવતા મધ્યસ્થ બેન્ક ચાવીરૂપ દરો યથાવત જાળવી રાખશે તે અપેક્ષિત જ હતું. શાકભાજી અને ક્રૂડના ભાવમાં વધારાને ધ્યાનમાં લઈને ફુગાવાનો અગાઉના અંદાજ 4.2-4.6થી વધારીને 4.3-4.7 ટકા કરતાં MPCએ તાજેતરના કેટલાંક ડેવલપમેન્ટને કારણે વૃદ્ધિદર વધવાની આશા વ્યક્ત કરી હતી અને CPIને 4 ટકાની આસપાસ જાળવી રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી. જોકે, મધ્યસ્થ બેન્કે WPI અંદાજ મૂજબ જળવાઈ રહેવાની શક્યતા દર્શાવી હતી.
મધ્યસ્થ બેન્કે FY18 ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજ 6.7 ટકાના સ્તરે યથાવત રાખ્યો હતો. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ પણ આગામી મહિનાઓમાં રિટેલ ફુગાવો વધવાની આશંકા સાથે પોલિસી રેટ 6 ટકાના સ્તરે યથાવત રહેશે તેઓ અંદાજ વ્યક્ત કર્યો હતો.પોલીસીની જાહેરાત બાદની પ્રેસ કોન્ફરન્સમાં RBIના ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું હતું કે, કૃષિ લોનની માફી, ફ્યુઅલ પરની ડ્યુટી પાછી ખેંચવાથી તેમજ કેટલીક ચીજવસ્તુઓ પરના જીએસટી રેટમાં ઘટાડાને કારણે સરકારને કેટલીક આવકની ઘટ પડશે.