આગામી સપ્તાહમાં તમામ પાઠય પુસ્તક આવી જવાનો શિક્ષણાધિકારીનો દાવો
વેકેશન ખુલ્યાના ૧૦ દિવસ થવા છતાં જામનગર જિલ્લામાં હિન્દી માધ્યમની સ્કૂલોના એનસીઆરટીના પુસ્તકોના ઠેકાણા નથી.ધો ૬,૭,૮ ના સામાજિક વિજ્ઞાનના પુસ્તક પણ મોડે મોડે માંડ કરીને આવતા હવે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.એનસીઆરટીનો કોર્સ બદલાયો હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાનું ગાણું તંત્ર દ્વારા ગાવામાં આવી રહ્યું છે.શૈક્ષણિક સત્ર વગર પાઠય પુસ્તકે તો પાઠય પુસ્તકોની તંગી વચ્ચે શાળઓમાં શરૂ કરી દેવાયું છે.પાઠય પુસ્તકોની તંગીથી બાળકોની સાથે વાલીઓ પણ તંગ થઇ ગયા છે.પાઠય પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.ત્યારે આગામી સપ્તાહમાં પાઠયપુસ્તક આવી જવાનો દાવો શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે શાળામાં વિદ્યાર્થીઓ કરતા વાલીઓની ચિંતા સતત વધતી જતી હોય છે. ફી,પુસ્તક,યુનિફોર્મ,સ્કૂલવાન,ટયુશન વગેરે જરૂરિયાત પૂરી કરતા કરતા વાલીઓ તોબા પોકારી જાય છે. બુક સ્ટોલના ધક્કા ખાવા છતાં પુસ્તકો મળતાં નથી. જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ધો.૬,૭,૮ માં એનસીઆરટીનો કોર્સ દાખલ થવાને કારણે પાઠયપુસ્તકો બદલાતા તંગી ઉભી થઇ હોવાની કેસેટ વગાડવામાં આવી રહી છે, ત્યારે આ તંગી ખરેખર છે કે કૃત્રિમ તે તપાસનો વિષય બન્યો છે.જિલ્લામાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જેમાં સરકારી શાળા પણ બાકાત નથી. નવાઇની વાત તો એ છે કે હિન્દી માધ્યમની સ્કૂલોના પુસ્તકોના હજૂ ઠેકાણા નથી. ત્યારે ક્યારે અભ્યાસ શરૂ થશે અને કયારે શાળામાં કોર્સ પૂર્ણ થશે તે એક સવાલ વાલીઓને સતાવી રહ્યો છે.
ધોરણ ૬,૭,૮ના સામાજિક વિજ્ઞાન મોડે મોડે માંડ આવ્યા, હિન્દી માધ્યમની સ્કૂલોનાં પુસ્તકોના હજુ ઠેકાણા નથી
સપ્તાહમાં હિન્દી માધ્યમના પુસ્તક મળી જવાનો આશાવાદ વ્યક્ત કર્યો
જામનગર જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરૂ થયું હોવા છતાં હિન્દી માધ્યમની શાળાઓના પુસ્તકોના ઠેકાણા ન હોય વાલીઓ અને છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે. સપ્તાહમાં મળી જવાનો આશાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ વ્યકત કર્યો છે. જ્યારે ધો.૬,૭,૮માં સામાજીક વિજ્ઞાનના પુસ્તકો મોડા આવતા વિતરણ કાર્ય ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે.