હોમસાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગની પીએચડી સ્ટુડન્ટ સુમી હાલદાર છેલ્લા કેટલાક સમયથી કચરામાં ફેંકી દેવાતી કમળની દાંડીના રેષામાંથી કાપડ બનાવ્યું
એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકો અગાઉ કેળના થડમાંથી કાપડ બનાવવાના સફળ અખતરા કરી ચુકયા છે. હવે યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના સંશોધકોએ કમળની દાંડીમાંથી કાપડ બનાવ્યુ છે. અને સાથે સાથે આ સંશોધન થકી મહિલાઓને રોજગારી મળે તેવા પ્રયત્ન પણ તેમણે કર્યા છે. મળતી વિગતો પ્રમાણે હોમસાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગની પીએચડી સ્ટુડન્ટ સુમી હાલદાર છેલ્લા કેટલાક સમયથી કચરામાં ફેંકી દેવાતી કમળની દાંડીના રેષામાંથી કાપડ બનાવવાનો પ્રયત્ન ગાઈડ ડો.મધુ શરણના માર્ગદર્શન હેઠળ કરી રહી હતી.
આ માટે 2018માં તેને વિચાર આવ્યો હતો અને માસ્ટર્સના સ્ટુડન્ટ તરીકે 2019માં તેણે તેના પર થોડુ સંશોધન કર્યુ હતુ. એ પછી તેણે પીએચડી શરુ કર્યુ હતુ. પહેલા તો કમળની દાંડીઓ મોટા પાયે મેળવવા માટે તેણે શહેરના ખંડેરાવ માર્કેટમાં ફૂલોનુ વેચાણ કરતા વેપારીઓનો સંપર્ક કર્યો હતો. એ પછી વેપારીઓ થકી તેનો પરિચય કમળના ફૂલોની ખેતી કરતા ઈશાભાઈ રાઠોડ સાથે થયો હતો.
ઈશાભાઈ સાથે સુમી હાલદારે વાત કરીને કમળની દાંડીઓ મેળવવા માટે વ્યવસ્થા ગોઠવી હતી. અને જ્યાં કમળ ઉગે છે તેવા વિવિધ તળાવોની મુલાકાત પણ લીધી હતી. પૂરતો પૂરવઠો મળી રહે તેવી ગોઠવણ થયા બાદ વિદ્યાર્થિનીએ દાંડીના રેષામાંથી કેમિકલ મુક્ત અને માનવ ચામડીને અનુકુળ કાપડ બનાવવામાં સફળતા મેળવી હતી. તેણે આ માટે વણાટકામ કારીગરોની મદદ પણ લીધી હતી.
કાપડ બનાવવા માટે વિશેષ મશીન તૈયાર કરાયું
કાપડ બનાવવા માટે તેણે એક વિશેષ પ્રકારનુ મશિન પણ તૈયાર કર્યુ છે. આ મશીનની તેણે પેટન્ટ લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સુમી કહે છે કે, કાપડ બનાવવા માટે હેપી ફેસીસ નામની એનજીઓની પણ સહાયતા લીધી છે. બીજી તરફ 10 જેટલી મહિલાઓને કમળની દાંડીમાંથી રેષા કાઢવાની તાલીમ આપી છે.જેના કારણે તેમને પણ રોજગારી મળી છે. ઘણી બધી કોન્ફરન્સમાં આ સંશોધનને લગતા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.