રાજકોટ નજીક નવાગામ આણંદપર પાસે લાલપરી તળાવ રાત્રે ઓવરફલો થઈ ગયા બાદ પાણી ફરી વળ્યા હતા. આ વહેણમાં ૬ લોકો ફસાઈ જતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશનેથી ફાયર બ્રિગેડની ૧૦ સભ્યોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફસાયેલા લોકોને બચાવવા કામગીરી આરંભી હતી. ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે બાળકો સહિત કુલ ૬ વ્યકિતઓને પાણીના વહેણમાંથી બચાવી લીધા હતા.
પરેશભાઈ વાઘેલા (ઉ.વ.૨૩), પ્રભાબેન વાઘેલા (ઉ.વ.૨૦), દિનેશભાઈ અંબાસણી (ઉ.વ.૨૦), શૈલેષ (ઉ.વ.૭), ઉમેશ (ઉ.વ.૩) અને જનક (ઉ.વ.૯)ને બચાવી લેવાયા હતા. આ બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડનાં શૈલેષભાઈ ખોખર, અભયસિંહ હાડા, વિશાલભાઈ જીંજવાડીયા, ભરતસિંહ ઝાલા, અરબાઝખાન પઠાણ, ભીખાભાઈ, મેહુલભાઈ, લાલાભાઈ, જગદીશભાઈ વડેખણીયા અને જગદીશભાઈ અંબાસણીયા તેમજ સલીમભાઈ બાંભણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઓવરફ્લો થતા ફસાયેલા આઠેય લોકો રાજકોટમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળે છે. સર્કીટ હાઉસ પાછળના ગોડાઉનમાં આ મજૂરો ફસાયા હતા. મોડી રાત્રે દોરડાથી ગોડાઉનમાં રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.