ભારે કોમર્શીયલ વાહનોનું વેંચાણ તળીયે: વૈશ્ર્વિક ઓર્ડરમાં પણ ૨૧ ટકાનો કડાકો
કોરોના મહામારીના કારણે દેશના અનેક ઔદ્યોગીક ક્ષેત્રને કમરતોડ ફટકો પડ્યો છે. ઓટો સેકટર પણ કોરોના મહામારીની થપાટમાંથી બાકાત રહ્યું નથી. ઓટો ઈન્ડસ્ટ્રીઝ ધીમીગતિએ ઉભી તો થઈ રહી છે પરંતુ દોડતી કરવા માટે સરકારનું રાહત પેકેજ ઈચ્છે છે. વાહનોના સ્પેર પાર્ટસ બનાવતી કંપની બોસ્ચ દ્વારા ૬૮મી સાધારણ બેઠક દરમિયાન સરકાર સમક્ષ રાહતની રજૂઆત કરવામાં આવી હતી.
મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન વાહનોના વેંચાણમાં ધરખમ કડાકો બોલી ગયો હતો. અલબત ટુ વ્હીલર અને ટ્રેકટરની ખરીદીમાં મહદઅંશે ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરતા ડર અનુભવતા હોવાથી નાની કારના વેંચાણ પણ વધશે તેવી આશા સેવવામાં આવી રહી છે. જો કે, ભારે વાહનોનું વેંચાણ લગભગ અટકી પડ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ઓટોમોટીવ સેકટરનો ગ્રોથ નેગેટીવ રહેશે તેવી દહેશત છે.
દેશના ગ્રામ્ય વિસ્તારોમાં મહદઅંશે ખરીદી શરૂ થઈ છે. માંગ વધતા જ ઓટો સેકટરને કળ વડી છે. આર્થિક વ્યવહારો ફરીથી બરકરાર થઈ જશે એટલે ઓટો સેકટર પણ ધમધમવા લાગશે તેવી અપેક્ષા છે. જો કે, જર્મની, ચીન, બ્રાઝીલ, બાંગ્લાદેશ અને મલેશીયાથી આવતા ઓર્ડરમાં ૨૧ ટકાનો તોતીંગ કડાકો બોલી ગયો છે. કંપનીઓની આવકમાં ધરખમ કડાકો બોલ્યો છે. આવા સંજોગોમાં સરકાર પ્રોત્સાહન અથવા તો રાહત પેકેજ આપે તેવી માંગ ઉઠી છે.
ઓટો સેકટરની ડામાડોળ સ્થિતિ સુધારવી જરૂરી
છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષમાં ભારતને ઓટો સેકટરનું હબ બનાવવા કેન્દ્ર સરકારોએ તડામાર તૈયારીઓ કરી હતી. વૈશ્ર્વિક કંપનીઓને સસ્તા દરે જમીન આપી હતી. આ ઉપરાંત પોલીસીમાં પણ ઘણો ફેરફાર કર્યો હતો. પોલીસી ઓટો સેકટર ફ્રેન્ડલી રહે તે માટે પ્રયત્નો કર્યા હતા. ઈન્ફાસ્ટ્રકચર પણ ઓટો સેકટર માટે અનુકુળ હોય તેવું વિકસાવ્યું હતું. સમય અને સંપતિ ખચર્યા બાદ જો હવે ઓટો સેકટર ઠંડુ પડી જાય તો મસમોટુ નુકશાન જાય તેવી શકયતા છે. જેથી તુરંત ઓટો સેકટરની તબીયત સુધારવા બુસ્ટર ડોઝની જરૂર છે.