જસદણ વીંછિયા બેઠકની આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો જ્ઞાતી જાતિના ધોરણે નહી પરંતુ જે સમાજમાં બહુધા વસ્તીને ધ્યાનમાં નહી લઈ અન્ય થોડી વસ્તી ધરાવતાં સમાજના યોગ્ય ઉમેદવારને ટિકીટ આપે એવી મુહિમ સોશ્યલ મીડિયામાં ચાલતી હોવાથી સ્થાનિક રાજકારણમાં ભારે ધમસાણ મચી જવા પામી છે.
જસદણમાં દર ચૂંટણીઓમાં રાજકીય પક્ષો જે સમાજની વધુ વસ્તી હોય એ ધોરણે ટિકિટ ફાળવતાં હોય છે પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો ઈતર સમાજમાંથી યોગ્ય ઉમેદવારોને ટીકીટ આપી પોતાની યોગ્યતા પુરવાર કરે એવી માંગણી સોશ્યલ મીડિયામાં થતાં આ અંગે હલચલ મચી જવા પામેલ છે. ભૂતકાળમાં અન્ય સમાજમાંથી સ્વ. શિવરાજકુમાર ખાચર, સ્વ. અમરાબાપુ પટગીર, સ્વ. ભીખાભાઈ મચ્છર, સ્વ. બાબુલાલ ભટ્ટ, સ્વ. અકબરભાઈ જસદણવાળા, સ્વ.પ્રભાતગીરી ગોસાઈ, સ્વ. મહાદેવભાઈ ચાવ, સ્વ. ઇસ્માઇલભાઇ પરમાર, સ્વ.ભીમબાપુ ધાધલ, સ્વ. સાલેભાઈ કથીરી સહિતના આગેવાનો ઈતર સમાજમાંથી વિવિઘ રાજકીય પક્ષો સાથે સંકળાય પ્રજા સાથે જીવંત સંપર્ક ધરાવતાં હતાં.
એમની પેઢીઓના યુવાનો પણ કોઈને કોઈ રીતે સેવા કાર્યોથી જોડાયેલાં છે. જસદણ પંથકમાં અનેક ચૂંટણી આવી અને ગઈ પણ મોટા ભાગના રાજકીય પક્ષોના આગેવાનોએ જે સમાજની વધુ વસ્તી છે તેને જ ટિકિટ આપી છે પરંતુ નાનાં સમાજ તરફ ટીકીટ દેવામાં ધ્યાન આપ્યું નથી. ફ્ક્તને ફ્ક્ત તેમનાં મતનો જ વિચાર કર્યો હોવાથી સોશ્યલ મીડિયામાં ભારે ધમસાણ મચી છે.