ખાતાની ફાળવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથેના મતભેદ બાદ હવે મહેસાણાને જ હેડકવાર્ટર બનાવી નોર્થ ગુજરાતમાં તાકાત વધારવાના પ્રયાસો

ગુજરાત સરકારે પ્રજાસત્તાક દિનની ઉજવણી રાતો-રાત નવસારી જિલ્લાની જગ્યાએ મહેસાણા જિલ્લામાં કરવાનો નિર્ણય લેતા ઘણા લોકોને આશ્ર્ચર્ય થયું છે. અલબત મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢ ગણાતા મહેસાણામાં પગદંડો જમાવવા માટે લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિજયભાઈ રૂપાણી અને તેમની નવી કેબીનેટે શપથ ગ્રહણ કર્યાના તુરંત બાદ જ નવસારીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાની જાહેરાત થઈ હતી. અલબત ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીને ઓછી સત્તા મળી હોવાનું લાગતા તેઓ સરકારથી રીસાયા હતા અને એક રીતે બળવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

હવે રાજય સરકારે એકાએક પ્રજાસત્તાક દિનની ઉજવણી નવસારીની જગ્યાએ મહેસાણા કરવાનો નિર્ણય લેતા નીતિનભાઈ પટેલના ગઢમાં પગદંડો જમાવવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર્તા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાટનગર ગાંધીનગરથી ફેરવીને અન્ય સ્થળે કરવાનો નિર્ણય લીધો હતો. નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી ભાજપને ખૂબજ સારો રાજકીય લાભ મળ્યો હતો.

પાટીદાર આંદોલન બાદ ૨૦૧૬ ઓગષ્ટ મહિનાથી વિજયભાઈ રૂપાણીના મોટા કાર્યક્રમો મહેસાણામાં યોજાતા ન હતા. જો કે, હવે વાતાવરણ પલ્ટાઈ ગયું છે. નીતિનભાઈ પટેલે શક્તિ પ્રદર્શન કરતા હવે તેમના ગઢમાં જ પગદંડો જમાવવાનો નિર્ણય થયો હોવાનું કહેવાય છે. મહેસાણા ડિસ્ટ્રીકટ પર સીધો કંટ્રોલ મુખ્યમંત્રી રૂપાણીનો હોય તેવું ભાજપ ઈચ્છે છે. હાલ મહેસાણામાં મોટાભાગનું સંચાલન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હાથમાં છે. મહેસાણામાં પગદંડો જમાવી મુખ્યમંત્રી રૂપાણી નોર્થ ગુજરાતમાં વધુ લોકચાહના મેળવી લેશે.

કેબીનેટ મંત્રીઓની પસંદગીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને માઠુ લાગ્યા બાદ કોંગ્રેસ તેમજ પાસના નેતાઓએ તેમને આમંત્રણ આપ્યું હતું. હાર્દિક પટેલે સરકાર બનાવવા સુધીની વાત કરી હતી. માટે ભાજપ હવે સતર્ક થઈ ગયું હોય તેવું જણાય રહ્યું છે. હવે પાટીદારોનું એપી સેન્ટર ગણાતા મહેસાણામાં જ ભાજપ મસમોટા કાર્યક્રમનો પ્રારંભ કરે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.