ગુજરાતના રમણીય એવા પ્રવાસન સ્થળ ગીરને ફરી, વખત ધમધમતું કરવા માંગ
અનલોકની શરૂઆત બાદ રાજ્યમાં દેશના મહત્વના પાર્ક અને અભ્યારણ ખોલી દેવાયા છે ત્યારે સાસણ ગીર સફારી અને દેવળિયા પાર્ક ખોલવાની પણ માંગ ઉઠી છે. મધ્ય પ્રદેશ મહામારીને ધ્યાનમાં રાખીને એક યુનિક ક્ધસેપ્ટ સાથે અભ્યારણ ખોલ્યું છે ત્યારે તેના આધારે જ ગીરમાં પણ કંઈક એવી રીતે જ તંત્ર શરૂઆત કરે તેવી સાસણ હોટલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
સરકાર દ્વારા હજુ સાસણ ગીર સફારી અને દેવળિયા સફારી પાર્ક ખોલાયા નથી જેના કારણે ગુજરાતનો આ વિસ્તાર જે ૩૬૫ દિવસ ધમધમતો હોય છે ત્યાં આજે કોઈ પ્રવાસી જોવા મળતા નથી. આવામાં સાસણ ગીર હોટલ એસોસિએશન તરફથી સરકારને પત્ર લખી દેવળિયા સફારી અને સાસણ ગીર અભ્યારણ ખોલવાની વિનંતી કરાઈ છે. હોટલ ઉદ્યોગ સહિત અહીં પ્રવાસન ક્ષેત્ર પર નભતી પ્રજાની પણ હાલત કફોડી બની રહી છે.
મહત્વનું છે કે એસોસિએશ દ્વારા આ પત્ર વનમંત્રી ગણપતભાઈ વસાવા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને વન અને પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને મોકલવામાં આવ્યો છે. પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્ર પર નભતા સ્થાનિકોની પણ હાલત કફોડી બની રહી છે. તેમણે જણાવ્યું છે કે ગીર વિસ્તારમાં ઉદ્યોગો ઉપર પ્રતિબંધ હોવાથી અહીંની ૭૫-૮૦% વસ્તી પ્રવાસન ક્ષેત્ર ઉપર નભે છે.
અહીં બે પાર્ક આવેલા છે. ગીર દેવળિયા સફારી ૩૬૫ દિવસ ખુલ્લું રહે છે જયારે સાસણ ગીર અભ્યારણ સિંહોના સંવનન કાળ, વસ્તી ગણતરી જેવા વિશિષ્ટ સમય સિવાય પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે. આ બંને પાર્ક ૧૭ માર્ચથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવતા અહીંની હોટેલો ગ્રાહકો વગરની થઇ ગઈ છે.
તેમણે દાવો કર્યો છે કે અહીં ગાઇડસ સહિતનાં મોટા દુકાનવાળાઓ, રેસ્ટોરન્ટના માલિકો કર્મચારીઓ વગેરે થઈને આશરે ૨૦,૦૦૦ લોકો તકલીફ મુકાયા છે. તેમણે કહ્યું હતું કે દર વર્ષે અહીં ૪.૫ લાખ જેટલા પ્રવાસીઓ સાસણની મુલાકાત લેવા આવે છે. એવામાં પાર્ક આટલો સમય બંધ રહેતા ખૂબ જ વધુ નાણાકીય સંકટ ઉભુ થયું છે!