સામાન્ય સભા વખતે મોડા આવીને વહેલા ચાલ્યા જવા તેમજ ગેરવર્તન કરવા બદલ ડીડીઓ સામે સભ્યની મેદાનમાં ઉતરવાની તૈયારી

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત લઈ આવવાની તજવીજ આદરવામાં આવી છે. ગત સામાન્યસભા વખતે જિલ્લા વિકાસ અધિકારી મોડા આવ્યા હતા ઉપરાંત વહેલા ચાલ્યા ગયા હતા સાથે તેઓએ ગેરવર્તન પણ કર્યું હતું તેવા આક્ષેપ સાથે એક સભ્યએ ડીડીઓ સામે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભા ભારે વિવાદીત રહી હતી જેમાં ખાટરીયા જુથે કારોબારીના પાવર્સ પરત ખેંચવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ થાય તે પૂર્વે જ વિકાસ કમિશનરે ઠરાવ પર સ્ટે મુકી દીધો હતો. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી મોડા પહોંચ્યા હતા ઉપરાંત સભા દરમિયાન સ્ટે માટે વિકાસ કમિશનરનો ફોન આવતા તેઓએ સભા છોડી પણ દીધી હતી.

આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સભ્ય તેમજ કારોબારી સમિતિના સભ્ય ચંદુભાઈ શીંગાળાએ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. હાલ તેઓ જિલ્લા વિકાસ અધિકારી સામે ઠપકા દરખાસ્ત લાવવાની તજવીજ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઠપકા દરખાસ્ત આગામી સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ દરખાસ્ત જો પસાર થશે તો આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને ઠપકો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.