માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર એડ એજન્સીઓએ હજારો હોર્ડિંગ્સ ઉભા કરી દીધા એડ એજન્સીઓ હોર્ડિંગ ભાડે આપી કરે છે કરોડોની કમાણી

હાઇવે પર લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરી વન-ટાઈમ ઇન્વેસટમેન્ટ કરી એડ એજન્સી આવા હોર્ડિંગ જાહેર ખબર ડેટા ને ભાડે આપી પ્રતિમાસ લાખો રૂપિયા ભાડું વસુલ કરે છે જેમાંથી ફૂટી કોડી પણ સરકાને ચુકવતી નથી.  શહેરી વિસ્તારમાં જો આવા હોર્ડિંગ્સ લગાવવામાં આવેતો સ્થાનિક સ્વરાજની સંસ્થાને એડ એજન્સીને ભાડા પેટે લખો રૂપિયા ચૂકવવા પડે છે પરંતુ હાઇવે પર સરકાર ની વધારા ની જગ્યા ન હોય એડ એજન્સી દ્વારા ગેરકાનૂની રીતે આવો વેપલો કરવામાં આવી રહ્યો છે.

 હોર્ડિંગ્સ ઉભા કરનારી એડ એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે: દોમડીયા

રાજકોટ મોરબી હાઇવે પર સરકારી મંજૂરી લીધા વગર જ હોર્ડિંગ્સ બોર્ડ ખડકી લેનાર એજન્સીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેમ જણાવી માર્ગ અને મકાન વિભાગ ના ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું કે આ અગાવ બે વખત ઝુંબેશ ચલાવી હોર્ડિંગ્સ દૂર કરાયા હતા પરંતુ એડ એજન્સીઓ ફરી થી આવા જોખમી બોર્ડ ઉભા કરે છે આથી હવે જિલ્લા કલેકટરશ્રી ને હવે આ મામલે ધ્યાન દોરી મામલતદાર કચેરી મારફતે કાર્યવાહી હાથ ધરાશે.

રાજકોટ મોરબી હાઇવે પર એડ એજન્સીઓ દ્વારા માર્ગ મકાન વિભાગની મંજૂરી લીધા વગર જ હજારોની સંખ્યામાં હોર્ડિંગ્સ બોર્ડ ખડકી દેતા આવા હોર્ડિંગ્સ બોર્ડ વાહનચાલકો માટે જોખમી બન્યા છે એમાં પણ ખાસ કરીને વરસાદી સિઝન માં વાવાઝોડા બાદ અનેક બોર્ડ તૂટીને રસ્તા પર નમી જતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મોરબી રાજ્ય ધોરી માર્ગ ને પોતાના બાપુજીની મિલકત સમજી એડ એજન્સીઓ દ્વારા સરકારની ગાઇડલાઇન નો ભંગ કરી માર્ગ અને મકાન વિભાગ ની મંજૂરી લીધા વગર જ જોખમ સર્જાય તેવી રીતે હજારોની સંખ્યામાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવી દીધા છે અને એ પણ સરકારશ્રીની માલિકીની જગ્યામાં !

વધુમાં રાજકોટ મોરબી હાઇવે પર એક પણ એડ એજન્સીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરી હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી ન હોવાનું માર્ગ અને મકાન વિભાગ ના મુખ્ય ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું

માર્ગ -મકાન વિભાગના ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું કે સરકાર શ્રી ના નિયમ મુજબ રાજ્યધોરી માર્ગ પર રોડ ની માધ્યરેખાથી બંને તરફ સરકારી જમીનો આવેલી છે અને નિયમ મુજબ રોડ થી ૪૫ ફુટ દૂર સુધી આવા કોઈ જોખમી સ્ટ્રક્ચર ઉભા કરી શકતા નથી. અને અમારા વિભાગ દ્વારા મોરબી જિલ્લાની હદ માં આવેલ માર્ગ પર હોર્ડિંગ્સ લગાવવા માટે પરમિશન પણ આપવામાં આવી નથી.

દરમિયાન છેલ્લા ૧૫ દિવસમાં ભારે પવન વાવાઝોડું આવતા હાલ રાજકોટ મોરબી હાઇવે પર અનેક હોર્ડિંગ્સ બોર્ડ તૂટીને હાઇવે તરફ નમી જતા અકસ્માત નો ભય સર્જાયો છે તો અનેક જગ્યાએ એડ એજન્સી દ્વારા રાજ્ય ધોરી માર્ગ થી માત્ર ચાર કે પાંચ ફૂટના અંતરે જ આવા હોર્ડિંગ્સ ઉભા કરી દઈ માર્ગ અને મકાન વિભાગ ની કરી નાખી છે.

ઉલ્લેખનીય છે કે કેટલીક જાહેર ખબરોમાં મોડેલ ને અંગ ઉપાંગ પ્રદર્શિત કરતી દર્શાવવામાં આવી હોવાથી વાહન ચાલકો આવી એડ જોવા નજર દોડાવી બેધ્યાન બનતા અકસ્માત સર્જતાં હોવા થી સરકાર દ્વારા  જાહેરાતોના આવા હોર્ડિંગ્સ હાઇવે પર લગાવવાની મનાઈ ફરમાવી છે આમ છતાં એડ એજન્સીઓ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરી હાઇવે પરની સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો કરી વર્ષે દહાડે કરોડોની કમાણી કરવામાં આવી રહી છે અને તંત્ર ચુપ બની તમાશો નિહાળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.