અબતક, રાજકોટ, : કોરોના કાળનાં લાંબા સમય બાદ આજે પંચાયત વિભાગે સૌરાષ્ટ્રનાં ૧ર સહિત રાજયનાં ૩૪ તાલુકા વિકાસ અધિકારીની બદલી અને ૮૪ વર્ગ – ૩ નાં કર્મચારીને હંગામી ધોરણે ટીડીઓ સંવર્ગની જગ્યા પર બઢતીનાં ઓર્ડર કર્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી ટીડીઓની ખાલી રહેલી કેટલીક જગ્યાઓ ભરાઈ છે દરમિયાન આજે જિલ્લા પંચાયત પાસેથી વર્ગ – ૩ની ભરતીનાં અધિકારો હવે પંચાયત પસંદગી મંડળ હસ્તક લેવાયા તેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ.

રાજકોટ, ધોરાજી,જસદણ, જામકંડોરણા, વેરાવળ,જૂનાગઢ, અમરેલીમાં ટીડીઓ બદલાયા

જિલ્લા પંચાયત પાસેથી વર્ગ – ૩ની ભરતીનાં અધિકારો  પંચાયત પસંદગી મંડળ હસ્તક લેવાયાનું જાહેરનામું પણ પ્રસિધ્ધ

તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં રાજકોટ જિલ્લામાં ત્રણની બદલી કરવામાં આવી છે અને બે નવા જસદણ અને જામકંડોરણામાં જગ્યા ભરવામાં આવી છે. રાજકોટ ટીડીઓ પંકજ પરમારને સાવરકુંડલા જયારે ટંકારાથી નાગાજણ તરખલાને રાજકોટ તાલુકામાં મુકાયા છે. ધોરાજીનાં હર્ષવર્ધનને ટંકારા, નર્મદા જિલ્લામાંથી દિપેક્ષ પટેલને બઢતી આપીને જામકંડોરણા, પાટણ પંચાયતમાંથી યશવંત પટેલને જસદણ અને જૂનાગઢથી કારાભાઈ ચાવડાને ધોરાજી ટીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં હજુ ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં ટીડીઓની જગ્યા ખાલી પડી છે. રાજકોટ જિલ્લા પંચાયતનાં ૭ નાયબ ચીટનેસને બઢતી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનાં અન્ય તાલુકાનાં ટીડીઓની પણ બદલી કરી નવા અધિકારીઓને મુકવામાં આવ્યા છે. ખાંભાનાં યુ. ભાવસારને ચાણસ્મા, રાણાવાવનાં રજની ઠુંમરને મેંદરડા, ખંભાળીયાનાં નિશીત  ચોૈધરીને જોટાણા, ધારીનાં બ્રિજેશ સોજીત્રાને ધ્રોલ, અમરેલીનાં હેતલ કટારાને લીલીયા, ભાણવડનાં એસ.ભટૃને ખાંભા ,  તાલાલાનાં  જયોતિ બોરીચાને વાંકાનેર બદલી કરવામાં આવી છે. વેરાવળ, જાફરાબાદ, કલ્યાણપુર,જૂનાગઢ, કુતિયાણાનાં ટીડીઓ બદલાયા છે.

પંચાયત વિભાગે કલાસ ૩ નાં ચીટનીસ કક્ષાનાં ૮૪  અધિકારીને તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં બઢતી આપી છે. દરમિયાન જિલ્લા પંચાયત પાસેથી વર્ગ – ૩ કક્ષાનાં કર્મચારીઓની ભરતીની સતા લઈને પંચાયત પસંદગી મંડળને સોંપવામાં આવી છે આ અંગેનાં નિયમોનું જાહરેનામું આજે પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.