જિલ્લા ભાજપ પ્રમુખ માટે ૮ નામો નિરીક્ષકો સમક્ષ આવ્યા: રાજકોટ શહેરને બાદ કરતા સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લા અને મહાનગરમાં એકથી વધુ નામો
સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લાઓ અને ૪ મહાનગરોનાં પ્રમુખનાં નામ નકકી કરવા માટે ભાજપ દ્વારા પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારથી પ્રદેશમાંથી આવેલા ૩ નિરીક્ષકો દ્વારા અપેક્ષિતોને સાંભળવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે પ્રમુખ તરીકે કમલેશ મિરાણીને રીપીટ કરવામાં આવે જયારે રાજકોટ જિલ્લા ભાજપનાં પ્રમુખપદ માટે અલગ-અલગ ૮ નામો પ્રદેશ નિરીક્ષકો સમક્ષ મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેરને બાદ કરતા તમામ જિલ્લા અને મહાનગરો માટે એકથી વધુ નામ નિરીક્ષક સમક્ષ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લા અને ૪ મહાનગરો માટે પ્રમુખની નિમણુક કરવા માટે આજે સવારે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા અને પ્રદેશ ભાજપ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ રાજકોટ શહેરનો વારો લેવામાં આવ્યો હતો જેમાં અપેક્ષિતોએ શહેર ભાજપ પ્રમુખપદે ફરી એકવાર કમલેશ મિરાણીને રીપીટ કરવામાં આવે તેવો એકી અવાજે સુર વ્યકત કર્યો હતો જોકે પ્રદેશ નિરીક્ષકોએ કોઈપણ અપેક્ષિતને એકાંતમાં મળી અન્ય નામ આપવું હોય તો સમય આપવાની માંગ કરી હતી જે અપેક્ષિતોએ ઠુકરાવી દીધી હતી અને પ્રમુખપદે મીરાણીને રિપીટ કરવામાં આવે તેવી સહમતી દર્શાવી હતી ત્યારબાદ રાજકોટ જિલ્લાનો વારો લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત મહામંત્રી ડો.ભરત બોઘરા, વિજય કોરાટ, પ્રશાંત કોરાટ, અલ્પેશ ઢોલરીયા, ચેતન રામાણી, ગોરધન ધામેલીયા અને નિતીન ઢાંકેચાનાં નામ નિરીક્ષક સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જોકે ડી.કે.સખીયાની તરફેણમાં વધુ સેન્સ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓ અને મહાનગરો માટે એકથી વધુ નામો નિરીક્ષક સમક્ષ મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લો, જુનાગઢ શહેર અને જિલ્લો, જામનગર શહેર અને જિલ્લો, ભાવનગર શહેર અને જિલ્લો, પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લા માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે જે મોડી સાંજ સુધી ચાલે તેવી સંભાવના છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવેલા નામો નિરીક્ષકો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેશે ત્યારબાદ પ્રદેશ ભાજપ કોઈ એક નિશ્ર્ચિત તારીખ નકકી તમામ શહેર, જિલ્લા અને મહાનગરો માટે પ્રમુખનાં નામની જાહેરાત કરી દેશે.