વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિનો દરેક નાગરિકને બંધારણીય મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે. પરંતુ ઘણીવાર આ હકના માધ્યમથી કોઈ નેતા, અભિનેતા કે બંધારણીય મોભો ધરાવતા વ્યક્તિનું માન-સન્માન પણ ધોવાય છે. જો કે બીજી બાજુ આ હક્કથી જ સામાન્ય લોકોથી માંડી ચોથી જાગીર ગણાતાં એવા પત્રકાર જગતના કર્મીઓ કે જર્નાલિસ્ટ સરકાર કે અન્ય નેતાઓની ટિપ્પણી કરી જનતા સમક્ષ સ્પષ્ટ ચિત્ર ઉભું કરે છે. પરંતુ ઘણીવાર એવી પણ મૂંઝવણ ઉભી થતી હોય છે કે આખરે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે અન્ય બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓ વિરુદ્ધ ટીપ્પણી યોગ્ય ગણવી કે કેમ ? ત્યારે આ મુદ્દે વધુ એક વખત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે પત્રકારો જરૂર પડ્યે સરકાર વિરુદ્ધ તો ઠીક પરંતુ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય વિરુદ્ધ પણ હકથી ટિપ્પણી કરી શકે છે. આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ યુ. યુ. લલિત અને ન્યાયાધીશ વિનીત સરનની ખંડપીઠ કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆ કેસની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટ કર્યું છે. આ કેસ વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશના એક વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ કે જેઓ તેની યુ ટ્યુબ ચેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરતા શિમલમાં રાજદ્રોહનો કેસ ઠોકાયો હતો. તેમણે આ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે એફઆઈઆર અને કાર્યવાહી રદ કરી વિનોદ દુઆને મોટી રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે પત્રકાર વિનોદ દુઆને વર્ષ 1962ના કેદારનાથ સિંહ કેસનો હવાલો આપતા આ મોટી રાહત આપી છે. કેદારનાથ સિંહ વર્સીસ સ્ટેટ ઓફ બિહાર કેસનો સંદર્ભ આપીને પત્રકાર દુઆને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે કેદારનાથ સિંહના નિર્ણય મુજબ દરેક પત્રકારની સુરક્ષા કરવામાં આવશે.
1962નો કેદારનાથ સિંહ કેસનો ચુકાદો છે શું ?
કેદારનાથ વર્સીસ બિહાર રાજ્ય કેસનો ચુકાદો વર્ષ 1962માં સુપ્રીમે આપ્યો હતો. જે મુજબ સરકાર અંગેની ટિપ્પણી રાજદ્રોહ નથી. કોર્ટે કહ્યું હતું કે સરકારની ટીકા કરવી કે વહીવટ અંગેની ટિપ્પણી કરવીએ પર રાજદ્રોહનો ગુનો બનતો નથી. દેશદ્રોહનો કેસ ત્યારે જ લાદવામાં આવશે જ્યારે કોઈ નિવેદનમાં હિંસા ફેલાવવાનો ઈરાદો હોય અથવા હિંસા ભડકી હોય.
ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસ લાદવાના મુદ્દે અનેકવાર સવાલો ઉભા થયા છે. રાજદ્રોહનો મામલો શરૂઆતથી જ વિવાદો વચ્ચે રહ્યો છે. પાંચ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને દેશદ્રોહના કાયદા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર રાજદ્રોહને લગતા કાયદાનો દુરૂપયોગ કરી રહી છે. ત્યારે અરજદારે કહ્યું હતું કે રાજદ્રોહના કેસમાં બંધારણીય બેંચે આદેશ આપ્યા હોવા છતાં તેના કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. કોમનકોઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કેદારનાથ વર્સીસ બિહાર રાજ્ય, 1962ના મામલામાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન થવું જોઈએ અને આ સંદર્ભે સરકારને નિર્દેશિત કરવી જોઈએ.