પ્લોટમાં ઓરડીઓ બનાવી વેચી માર્યાની 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા 6 ની ધરપકડ થઈ
શહેરના 150 ફૂટ રિંગ રોડ ગોવર્ધનચોકથી આગળ મચ્છોમાંના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં કબ્જો કરી ઓરડી બનાવી નાખી કટકે કટકે જમીનનું વેચાણ કરવાના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં 6 આરોપીની ધરપકડ કરી આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરતી પોલીસની અરજી કોર્ટે રદ કરી છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં ખોડીયારપરા મેઈન રોડ રહેતા ફરીયાદી અનુપકુમાર હીરાભાઈ રાવળની માલીકીની જમીન રાજકોટ તાલુકાના ગામ મવડી રે. સર્વે નં. 39 (જુના સર્વે નં. 51) સનદ નંબર 148 ના બીન ખેડવાણ અને ઈમારત બાંધવાની મંજુરીવાળા જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં. પર ની જમીન ચો.વા.આ. 597-5-0 બરાબર ચો.મી.આ.499998 ની કે જે 150 ફુટ રીંગ રોડ, ગોર્વધન ચોક થી આગળ, બસ સ્ટોપ થી આગળ, કે.કે. પાનવાળી શેરી, મચ્છોમાંના મંદીર પાસે, રાજકોટ ખાતેનો તા.12407 નારોજ વેચાણ દસ્તાવેજથી રૂા. 61 હજારમાં ખરીદ કરી હતી આ જમીનમાં આરોપી જયરાજભાઈ મોહનભાઈ રાઠોડ, પ્રદીપભાઈ મોહનભાઈ રાઠોડ, હકાભાઈ ઉર્ફે હકો બોધાભાઈ શીયાળ, ભીખાભાઈ વેજાભાઈ ગમારા, રાજુભાઈ ગોવીદભાઈ ગમારા અને લીંબાભાઈ ભલાભાઇ ચાવડીયા ગેરકાયદેસર કબ્જો કરી મકાનો બનાવી લીધેલ અને ગેરકાયદેસર રીતે લાઈટ કનેકશન, પાણી કનેકશન, ગેસ કનેકશન ગેરકાયદેસર રીતે મેળવી વપરાશ કરી જમીન પચાવી પાડયાની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે 14 દીવસના પોલીસ રીમાન્ડની માંગણી સાથે સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને રાજકોટના ઈન્ચાર્જ સ્પે. સેશન્સ જજ ડી.એ. વોરાએ તમામ આરોપીઓની 14 દીવસની પોલીસની રીમાન્ડની માંગણી કરતી અરજી રદ કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્પીલભાઈ શાહ અને રાજેન્દ્રભાઈ જોશી રોકાયા હતા.