- મોરબી: ઝૂલતા પૂલ દુર્ઘટના અંગે હાઈકોર્ટે સરકારને ફટકારી નોટિસ
- હાઈકોર્ટે દાખલ કરેલા સુઓમોટોમાં મહત્વનો નિર્ણય: વિશેષ સુનાવણી ૨૪મી નવેમ્બર
મોરબી ઝૂલતા પૂલ મામલે હાઇકોર્ટ એક્શન મોડમાં આવી છે. જેને લઇને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને અક્ર શબ્દોમાં સરકારની ઝાટકણી કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સરકારને સીધો સવાલ કરતા કહ્યું હતું કે, પુલના સમારકામ અને ટેન્ડર પ્રક્રિયા વિના જ કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે શું? હાઈકોર્ટે તંત્રને ૨ અઠવાડિયાનો સમય આપી સવાલો અંગે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. તો બીજી તરફ આગામી ૨૪મી નવેમ્બરના રોજ વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મોરબી ગોઝારી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે, ‘દિવાળીના તહેવારના લીધે પુલ પર લોકોનો ઘસારો હતો. દરરોજ સરેરાશ ૩૧૬૫ મુલાકાતીઓ આવતા હતા, એક સમયે ૩૦૦ મુલાકાતીઓ બ્રિજ પર રહેતા હતા. જે મામલે તપાસ ચાલી રહી છે, એફએસએલપણ તપાસ કરી રહી છે. અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને કેટલાકની ધરપકડ પણ કરાઈ છે.’
આ મામલે હાઇકોર્ટે ગંભીરતા દાખવી સવાલ પૂછતા કહ્યું કે, ‘કરાર બાદ પુલનું સમારકામ થવું જોઈતું હતું અને પછી એન્જીનિયરોએ પ્રમાણિક કરવાનું હતું. પણ કશું ન કરાયું. પ્રથમ કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ કયા આધારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને ૩ વર્ષ ચલાવવાની મંજૂરી અપાઈ? બ્રિજની ફિટનેસ પ્રમાણિત કરવાની જવાબદારી કોની હતી? રાજ્ય સરકાર તમામ સવાલોની વિગતો બે સપ્તાહમાં એફિડેવિટમાં રજૂ કરે. કોન્ટ્રાક્ટની શરૂઆતથી આજ સુધીની તમામ ફાઈલ સુરક્ષિત કરી સીલબંધ કવરમાં રજિસ્ટ્રીને સોંપો. સિવિક બોડીના મુખ્ય અધિકારી સામે કેમ કાર્યવાહી નથી કરાતી? શું સરકાર એક માત્ર પરિવારમાં કમાતા સભ્યનું મૃત્યુ થયું હોય તો પરિવારમાંથી કોઈ સભ્યને નોકરી આપી રહી છે?’ જોકે હવે આ મુદ્દે આગામી સુનાવણી ૨૪ નવેમ્બરના રોજ હાથ ધરાશે.
આ અંગે હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે “રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, ૧૯૬૩નું પાલન કર્યું હતું? આના પરિણામે ૧૩૫ લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
આ ખંડપીઠમાં જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે સોમવારે છ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આમાં રાજ્ય માનવાધિકાર પંચે અલગથી રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની, ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી તે તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.