• અલગ અલગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓની કરોડોની કિંમતની 50થી વધુ કાર પચાવી પાડ્યાનો ખુલાસો

રાજકોટ શહેરમાંથી કુલ 50થી વધુ મોંઘીદાટ કાર ભાડેથી મેળવી પરત નહિ આપી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફકત એક સ્કોર્પિયો કારની છેતરપિંડીનો ગુન્હો નોંધાયા બાદ તપાસ કરતા આખુ કૌભાંડ સામે આવ્યું હતું. રાજકોટ અને જામનગરના બે શખ્સોને ઝડપી ક્રાઇમ બ્રાન્ચે કુલ 47 જેટલી કાર રિકવર કરી છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ફોર વ્હીલ ગાડીના માલિકો સેલ્ફ ડ્રાઇવિંગમાં તેઓની ફોર વ્હીલ ગાડીઓ ભાડેથી આપતાં હોય અને અમુક ચોક્કસ ઈસમો આ કારનું ભાડુ પણ ન આપતાં હોય અને ગાડી પરત પણ ન આપતાં હોય તેવા બનાવો સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તાલુકા પોલીસ મથકમાં સૌ પ્રથમ એક સ્કોર્પિયો કારની છેતરપિંડીની ફરિયાદ હાર્ડવેરના ધંધાર્થીએ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે રાજકોટના અક્કી પટેલ અને જામનગરના બિલાલશા શાહમદારનું નામ આપવામાં આવ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની મહત્વની તપાસ એજન્સીઓએ તપાસમાં ઝુકાવ્યા બાદ ફક્ત એક કે બે નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં અનેક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો સાથે આ પ્રકારે ભાડેથી ગાડી મેળવીને ભાડું નહીં ચૂકવી તેમજ ગાડી પરત નહીં આપીને મસમોટી છેતરપિંડી આચરી લેવામાં આવી હોય તે પ્રકારના અહેવાલો સામે આવ્યા હતા.

Rent-a-car scam busted: Beldi Zhabbe with total of 47 vehicles
Rent-a-car scam busted: Beldi Zhabbe with total of 47 vehicles

મામલામાં ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીએ તપાસમાં ઝુકાવ્યા બાદ બેલડીએ છેતરપિંડીથી પચાવી પાડેલી કારનો સચોટ આંક મેળવવા શહેરભરના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોને ફરિયાદ કરવા અપીલ કર્યા બાદ કુલ અલગ અલગ 52 ગાડીઓની ફરિયાદ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની સીધી રાહબરી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એમ આર ગોંડલીયાની આગેવાનીમાં પીએસઆઇ એમ જે હુણની ટીમે બેલડીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પીએસઆઇ એમ જે હુણની ટીમને ખાનગી રાહે હકીકત મળેલ હતી કે બંને શખ્સો શહેરના જામનગર રોડ ખાતે હાજર હોય તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી લઇ કુલ રૂપિયા 3,51,50,000ની કિંમતની કુલ 47 જેટલી ફોરવીલ ગાડીઓ કબજે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.