વિજય સુવાળાએ ભાજપમાં જોડાવવાનો પ્રસ્તાવ મુક્યો અને ભારતીય જનતા પાર્ટીએ તેમને સ્વીકાર્યા છે: સી.આર.પાટીલ
અબતક, રાજકોટ
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉત્તર ગુજરાતના જાણીતા સિંગર વિજયભાઇ સુવાળા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો. વિજયભાઇ સુવાળા સંતો, મંહતો અને તેમના સમર્થકોની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા. વિજયભાઇ સુવાળા મૂળ મહેસાણાના સુવાળા ગામના વતની છે. જાણીતા સિંગર વિજયભાઇ થોડા જ મહિનામાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વિજયભાઇએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેર્યા બાદ જણાવ્યું કે, આજનો ક્ષણ મારી જીદંગી માટે ખૂબ અમુલ્ય છે. મારી એક પેઢી નહી પણ ત્રણ પેઢી ભારતીય જનતાની વિચાધારા સાથે પ્રેરિત છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સંગઠીત પાર્ટી છે. હું ઇચ્છું છું કે જ્યા સુધી સુરજ અને ચાંદનું અજવાળું રહે ત્યા સુધી ભાજપ વિશ્વમાં પહેલી પાર્ટી રહે.
વિજયભાઇ સુવાળાએ વધુમાં જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મને આવકાર્યો તે બદલ આભાર અને હું મારા તન, મન, ધનથી પુરી નીષ્ઠાથી અને સત્યના માર્ગે જઇ જનતાની સેવા કરીશ તેમ વિજયભાઇએ વચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું કે, આજે વિજયભાઇ સુવાળાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. વિજયભાઇ બીજી પાર્ટીમાં જોડાય તે પહેલા પણ મને મળ્યા હતા પરંતુ કેટલાક લોકોના ભ્રમમાં આવી ગયા હતા. પરંતુ તેમણે લાગ્યું કે કલાકાર તરીકે જે લોકો તેમને ચાહે છે તેમના પર મુકેલો વિશ્વાસ તૂટે છે તેવું તેમને લાગ્યું અને તેમણે ભાજપમાં જોડાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને અમે તેમને સ્વીકાર્યા છે.