રૂા.23 કરોડના ખર્ચે હાથ ધરાયેલા પ્રોજેક્ટની 35% કામગીરી પુરી: સરકારે ખાસ કિસ્સામાં આ પ્રોજેક્ટ માટે ફાળવી છે ગ્રાન્ટ
જામનગરના રક્ષિત એવા ભૂજીયા કોઠાના નવીનીકરણનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે, ખંભાળીયા ગેઇટ રીનોવેશન કરાયો અને જંગી ખર્ચથી થયેલા આ સ્થળની મુલાકાત સાથે ભુજીયા કોઠાને જોવો મુલાકાતીઓ માટે રોમાંચક બની રહેશે, મહાનગરપાલીકા દ્વારા શહેરની મહત્વની ઓળખસમા હેરીટેજ મોન્યુમેન્ટ જેવા પંચેશ્વર ટાવર, રણમલ તળાવ, સીટી મ્યુઝીયમ, ઝરૂખા, ખંભાળીયા ગેઇટ સહિતના કામો પુરા થયા બાદ જામનગરના ઐતિહાસીક કલાત્મક વારસાને ઉજાગર કરવા ભુકંપમાં ઘ્વંશ થયેલ શહેરની શાન સમા ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન અને ક્ધસોલિડેશન કામગીરી શરુ થયા બાદ હાલ આ કામગીરી કુશળ કારીગરો દ્વારા પુરજોશમાં ચાલી રહી છે.
ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળતી કડી સમાન ભુજીયો કોઠો નિર્માણ પામ્યો હતો તે સમયે તેની ઉંચાઇ 100 ફુટ હતી, જાણવા મળતી વિગત પ્રમાણે આ સ્ટ્રકચર ગુજરાત રાજયની સૌથી ઉંચી ઐતીહાસીક ઇમારત સમાન હતું, આ ભવ્ય ઇમારતને 168 વર્ષથી વધુના વ્હાણા વીતી ગયા છે, સતત ઘસારા અને ભુકંપ આવ્યા બાદ આ સ્ટ્રકચરને ભારે નુકશાન થયું છે.
જેને ઘ્યાનમાં લઇને શહેરની ઐતીહાસીક ઇમારતની જાળવણી થાય અને લોકોને પણ ભુજીયા કોઠા અંગે માહિતી મળે તે માટે કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ દ્વારા રક્ષીત સ્મારક એવા ભુજીયા કોઠાનું ક્ન્ઝર્વેશન, રેસ્ટોરેશન, રીપ્રોડકશન અને ક્ન્સોલીડેશન કરવામાં આવી રહ્યુ છે. જેની ટોચ પરથી ભુજ દેખાય તેમ મનાય છે અથવા ભુજમા પણ છે તેવો જ સેઇમ કોઠો છે તેમ મનાય છે તે આ રાજાશાહી વખતના કૌશલ્યના નમુના સમાન અને નગરની રક્ષા માટેનુ અડગ કલાત્મક અને વ્યુહાત્મક બાંધકામ જે લડાઇ સુરક્ષા શસ્ર સંગ્રહ વગેરે માટે ઉપયોગી હતો તે આ કોઠો રાજાશાહી વખતનુ નઝરાણુ અને સંભારણુ છે.અને હાલ આ કામગીરી નિષ્ણાત કારીગરો દ્વારા ચાલી પ્રોજેક્ટ એન્ડ પ્લાનીગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ અને મનપાના પદાધિકારીઓ અને કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
આ અંગે સીટી ઈજનેર શૈલેશ જોશી અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનીગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની પાસેથી વિગતો લેવામાં આવી ત્યારે તેવોએ જણાવ્યું કે ભુજીયા કોઠાનું કામ 35% સુધી પૂર્ણ થઇ ચુક્યું છે, અને આ પ્રોજેક્ટની અંદાજીત રકમ 23 કરોડ આસપાસ થશે, કોરોનાને કારણે અત્યારે સુધી 50 જેટલા કારીગરો કામગીરી કરી રહ્યા હતા પણ હવે કોરોનાની ગતી મંદ પડતા 70 થી વધુ કારીગરો કામે લાગશે અને અંદાજે 2 વર્ષની અંદર ભુજીયા કોઠાનું કામ પૂર્ણ થતા જામનગરની સુંદરતામાં વધારો થશે તેમાં કોઈ બેમત નથી આ અંગે અમને વખતોવખત પદાધિકારીઓ અને અધિકારીઓનું જરૂરી માર્ગદર્શન મળતું રહે છે અને સ્થળ વિઝીટ પણ તેવો કરતા રહે છે.
35% કામમાં શું-શું થયું?
સ્થાપત્યનું સંપૂર્ણ વેજીટેશન રીમુવલનુ કામ, રીમુવલનું કામ, ડીસમેન્ટલીંગનું કામ, પ્લેઈન સરફેસનું કામ, કાવ્ર્ડ સરફેસ, મોલ્ડેડ સરફેસનું સ્ક્રેપીંગનું કામ તેમજ કેમીકલ ક્લીનીંગનું કામ, સ્ટોન રેસ્ટોરેશનનું કામ અંશત: પૂર્ણ, ઉપરના ત્રણ માળનું ડીસમેન્ટલીંગનું કામ, ઉપરના ત્રણ માળ પૈકી પ્રથમ માળનું સ્ટોન રી-પ્રોડક્શનનું કામ, દ્વિતિય માળ પર ગેલેરીનું સ્ટેન રી-પ્રોડક્શનનું કામ, રેસ્ટોરેશન કામ પૈકી આઉટર પેરીફરી વોલનું દક્ષિણ અને પશ્ચીમ દિશાની વોલનું લાઈમ પ્લાસ્ટર અને લાઈમ કોટીંગનું કામ પૂર્ણ થયેલ છે.