રક્ષિત સ્મારક એવા મહાબત ખાનજી બીજા અને બહાઉદ્ીન ભાઈ વજીરના મકબરાનું રૂ.સાડા છ કરોડના ખર્ચે રીનોવેશન ચાલી રહ્યું છે: ટીમ ‘અબતકે’ લીધી મુલાકાત
ગુજરાત સરકારે રાજ્યના અનેક પ્રાચિન અને સાંસ્કૃતિક ધરોહર સાથે નાતો ધરાવતા સ્મારકોને રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યા છે. જેને કારણે આ સ્મારકોનું રીનોવેશન અને જાળવણીનું કામ થઇ રહ્યું છે. રક્ષિત સ્મારક ખાતે લોકો આવે અને તેના વિશે વધુ જાણકારી મળે તેવા સતત પ્રયાસો પણ થતાં રહે છે.
સૌરાષ્ટ્રના તાજમહેલ ગણાતા જૂનાગઢના બે મકબરાનું રીનોવેશન રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં કોર્ટ રોડ પર આવેલા નવાબ મહાબત ખાનજી બીજા તથા તેના વજીર બહાઉદ્ીન ભાઈના મકબરાને રાજ્ય સરકારે રક્ષિત સ્મારક જાહેર કર્યા હોય ત્યાં અત્યારે સાડા છ કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને નજીકના સમયમાં જ તે ખૂલ્લા મુકવામાં આવશે. જૂનાગઢના નવાબ મહાબત ખાનજી બીજાનો મકબરો સને 1892માં તેમના વજીર બહાઉદ્ીન ભાઈએ તૈયાર કરાવ્યો હતો.
મકબરો એટલે કબરનું સ્થાન. બહાઉદ્ીન ભાઈએ મહાબત ખાનજી અને પોતાનો મકબરો મૃત્યુ પહેલા જ તૈયાર કરાવી લીધો હતો. એવું કહેવાય છે કે મકબરાની સામે જ અદાલત હોય નવાબ ત્યાંથી ન્યાય કરતા એટલે કોઇને અન્યાય ન થઇ જાય એ માટે પોતાને એક દિવસ સામે જ ચિર નિંદ્રામાં પોઢી જવાનું છે એ સતત યાદ રહે એટલા માટે એડવાન્સમાં મકબરા તૈયાર કરાવ્યા હતા.
આ બંને મકબરામાં ઇસ્લામીક અને પશ્ર્ચિમી ઢબનું સ્થાપત્ય છે. આટલા વર્ષો પહેલા તૈયાર થયેલા મકબરા હવે રીનોવેટ થઇને જાણે કે સૌરાષ્ટ્રના તાજમહેલ બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. રાજ્ય સરકારે ખાસ રસ લઇ મુસ્લિમ સ્થાપત્યને પણ પૂરતો ન્યાય મળે એવો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.