ગોંડલ માં ” શું હાલ્યા આવોછો.ભુરાબાવાનો ચોરોછે ?’ આ વાક્ય સમયાંતરે બોલાતું રહ્યુ છે.પણ વાસ્તવ માં ભુરાબાવા કોણ અને ચોરાનું મહત્વ શું? તે વિષે વર્તમાન સમયની પ્રજા અજાણ હતી.ત્યારે ગોંડલ ભાજપનાં મોવડી અને નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા ભોજરાજપરા યુવક મંડળ દ્વારા એક અણમોલ ઇતિહાસ ને ફરી જીવંત કરવાં બીડું જડપી રાજાશાહી સમયનાં 165 વર્ષ જુના ભુરાબાવાનાં ચોરાનું નવીનીકરણ કરાયુ હોય તા.21 તથા તા.22 નાં લોકાર્પણ તથા મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે.
દાયકા જુની વિરાસત પુન: સજીવન કરાતા ધર્મપ્રેમીઓમાં હર્ષ
ગોંડલ એક ઐતિહાસિક નગર છે.અનેક ઇતિહાસ તેની ધરતીમાં ધરબાયેલાં પડ્યા છે.તે પૈકી ભુરાબાવાનો ચોરો પણ કહી શકાય.એ જમાનાં માં દરેક ગામ માં એક ચોરો હોય જ્યાં સવાર સાંજ આરતી થતી હોય, સાધુ સંતોનાં બેસણાં હોય અને નિરાંત ની પળોમાં લોકો ચોરે બેસી અલક મલકની વાતો કરતાં હોય, ગોંડલ માં ભુરાબાવાનો ચોરો એકમાત્ર આવું સ્થળ હતું.ચોરાનું નામ ભુરાબાવાનો ચોરો કેમ પડ્યું તે અગે ધણી લોકવાયકાઓ છે.અહી રોટલો અને ઓટલો મોટો હતો.ભુરાબાવા નામે સાધુ ચોરામાં પુજા આરતી કરતા હતા.એ સમયમાં ગોંડલ નાં રાજવી દ્વારા ગોંડલ નાં દરેક મંદિરો કે ચોરામાં સાધુઓ માટે રોજીંદા ભોજન માટે લોટ,તેલ સહિત નો કાચો સિધો અપાતું હતું.ભુરાબાવા આ સિધો મેળવી ભોજન બનાવી સાધુઓ ને જમાડતા હતા.ચોરામાં ભજનધુન ની અહાલેક જાગતી હતી.
આ ભુરાબાવા કોણ હતા તે અગે અનેક લોકવાયકા પ્રચલિત છે.જે મુજબ ભુરાબાવા જુનાગઢ થી આવેલા હતા.જડડીબુટીઓ નાં જાણકાર હોવા થી વીંછી કરડેતો તેઓ જડીબુટ્ટી થી ઝેર ઉતારી દેતા હતા.આથી ખેડુતોમાં ખાસ્સા પ્રિય હતા.ભુરાબાવા ખંભે થેલો ટીંગાળતા અને બાળકોને આપવાં નો ભાગ તેમા રાખતા હતા.બીજી લોકવાયકા મુજબ કોઈ અંગ્રેજ અધિકારીને કૃષ્ણ ભક્તિની લગની લાગી હતી.અને સંસાર નો ત્યાગ કરી સાધુતા અપનાવી હતી.તેઓ ચોરા માં રહી પુજા આરતી કરતા હોય ચોરો ભુરાબાવાનો ચોરો કહેવાયો.અલબત લોકવાયકાઓ નું કોઈ નક્કર પ્રમાણ મળતું નથી.
ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિહ પણ આ ચોરાની મુલાકાત લેતા હતા.એવી ઐતિહાસિક ઘરોહરને ફરી લોકો સમક્ષ ધબકતી કરવાનો વિચાર અશોકભાઈ પીપળીયાને આવ્યો અને સતત કાર્યશીલ રહેતા અશોકભાઈ પીપળીયાએ માત્ર પંચાવન દિવસ માંજ ભુરાબાભાનાં ચોરાનું નવીનીકરણ કરી એક ઇતિહાસ ને ફરી જીવંત કરી બતાવ્યો.આ ભગીરથ કાર્ય માં ભોજરાજપરા યુવક મંડળે પણ જહેમત ઉઠાવી હતી.આર્થિક યોગદાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ આપ્યુ છે.તો રામદરબાર ની મુર્તિ માટે અરવિંદભાઈ મારકણાએ યોગદાન આપ્યું છે.ભુરાબાવાનાં ચોરાનાં જીર્ણોધાર લોકાર્પણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં તા.21 નાં શોભાયાત્રા બપોર નાં ત્રણ કલાકે ભોજરાજપરા અરવિંદભાઈ મારકણાનાં નિવાસસ્થાનેથી પ્રસ્થાન થનારછે.રાત્રે હાલારી રાસનું આયોજન કરાયું છે.તા.22 નાં અયોધ્યા રામ મંદીર ની સાથેજ બપોરે 12:29 કલાકે મુર્તિ પ્રતિષ્ઠા, મહા આરતી તથા રાત્રે લોકડાયરા નું આયોજન કરાયું છે.ઇતિહાસ ને ઉજાગર કરતા આયોજન નો ધર્મલાભ લેવા અશોકભાઈ પીપળીયાએ યાદી માં જણાવાયું છે.