કાર્ડ કઢાવવા માટે આવતા અરજદારોને હાલાકી, ગેરવર્તન કરીને ધકકા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદો
રાજુલામાં અમૃતકાર્ડ કાઢવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ઓપરેટરના ઉઘ્ધતાઈભર્યા વર્તન સામે હોસ્પિટલના સંચાલકો ઘુંટણિયે થયા છે. આરોગ્યમાં વિવિધ સગવડો આમ જનતાને મળે તે માટે યોજના અમલમાં મુકી છે પણ ઓપરેટર અને હોસ્પિટલ સતાવાળાઓની બેદરકારીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રાજુલા શહેરમાં ૭૦ ગામના અરજદારો માં અમૃતમ કાર્ડ કઢાવવા આવે છે પણ અહીં અરજદારો સાથે ગેરવર્તન થાય છે. સવારથી લાંબી કતારો લાગે છે. લોકો કાર્ડ કઢાવવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
જો હોસ્પિટલનાં સતાધિશો આ મામલે ઉપરી સ્તરે રજુઆત કરે તો માં અમૃતમ કાર્ડ કઢાવવામાં લોકોને પડતી હાલાકી દુર થઈ શકે તેમ છે પરંતુ હોસ્પિટલનાં સતાધિશોનું પેટનું પાણી આ મામલે હલતું નથી ત્યારે લોકોને પડતી હાલાકી ધ્યાને લઈને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.