રાજ્યમાં 25% પાસપોર્ટની અરજીઓ ફકત સરકારી દસ્તાવેજોમાં નામની વિસંગતતાને લીધે નામંજુર!!

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દશકાઓથી એક પરંપરા ચાલી આવે છે. એ છે નામની પાછળ માનવાચક પ્રત્યય ઉમેરવાની. એમાં લોકો કોઈના પણ નામની પાછળ ભાઈ, બેન, કુમાર, ચંદ્ર જેવા પ્રત્યય લગાડતા હોય છે. જોકે અત્યારે હવે લાંબાગાળે આના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક મહિલાને જ્યારે વિદેશ જવું હતું ત્યારે તેને વિઝા માટે અરજી કરવાની હતી.

પરંતુ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાં એક જ નામનો ઉલ્લેખ કરાયો હતો. એટલે કે તેમના નામ પાછળ બેન નહોતું લખવામાં આવ્યું. પરંતુ પાસપોર્ટ પર તેમના નામ પાછળ બેન લખવામાં આવતા હવે વેરિફિકેશન સહિત વિઝા પ્રોસેસમાં વાંધો આવી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી.

નામના કારણે મુશ્કેલી થતા અખબારોનો સંપર્ક સાધ્યો

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સેટેલાઈટના રહેવાસી અને હેલ્થ પ્રોફેશનલ દીપાબેન શાહે તાજેતરમાં જ રિજનલ પાસપોર્ટ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અહીં અરજી કરી હતી કે મારે નામ બદલવું પડશે. એટલું જ નહીં આ દરમિયાન 49 વર્ષીય દીપાબેન શાહે સ્થાનિક અખબારોનો પણ સંપર્ક સાધ્યો હતો. તેને આવું કેમ કર્યું તો તમને જણાવી દઈએ કે જ્યારે મહિલાએ વિદેશમાં પાસપોર્ટ માટે અરજી કરી ત્યારે તેના નામની પાછળ જે બેનનો પ્રત્યય લાગ્યો હતો તેના કારણે પ્રોસેસિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ત્યારપછી દીપાબેને જણાવ્યું કે બાળપણથી જ મારા માતા-પિતાએ મારા નામમાં બેન ઉમેરી દીધું હતું. એટલે કે જેમ મારી માતાના નામ પાછળ બેન લાગે છે અને પિતાના નામ પાછળ ભાઈ લાગે છે. તેમ જ મારા નામ પાછળ પણ આ પ્રમાણે જ બેન લાગવામાં આવતું હતું. હવે જોતજોતામાં અગાઉ જેટલા પણ મારી પાસે દસ્તાવેજો છે તેમાં દીપાબેન નામ હતું. જ્યારે કોલેજના આગળના દસ્તાવેજો છે તથા આધાર કાર્ડ છે એમાં મારુ નામ દીપા હતું. ઉલ્લેખનીય છે કે વિઝાની પ્રોસેસમાં મે આગળ ફાઈલ મૂકી ત્યારે જાણવા મળ્યું કે નામમાં બેન અને એક ડોક્યુમેન્ટમાં ખાલી નામ હોવાથી મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં દીપાબેને પછી એમ પણ કહ્યું કે બસ એકવાર મારા નામમાં ફેરફાર થઈ જાય પછી હું નવેસરથી પાસપોર્ટ માટે અરજી કરીશ.

આરપીઓના અધિકારીઓએ કહ્યું કે અમે જાણીએ છીએ કે આમાં સામાન્યરીતે નામોના પ્રત્યય લાગે છે. આ ગુજરાતી સંસ્કૃતિની જ એક ઓળખ છે. પરંતુ જ્યારે આ પાસપોર્ટ અને વિઝા પ્રોસેસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે ત્યારે મોટો સવાલ ઉભો થાય છે. હવે નામની પાછળ ભાઈ અને બેન એક દસ્તાવેજમાં હોય અને બીજામાં ન હોય તો વેરિફિકેશન થઈ શકતું નથી. રિજનલ પાસપોર્ટ ઓફિસ ગુજરાતે જણાવ્યું કે અહીં દરરોજ આવા લગભગ 4 હજાર અરજીઓ આવે છે જેમાંથી 1 હજારથી વધુ તો માત્ર નામ ચેન્જ કરવાની હોય છે. બાકીની કેટલીક અરજીઓ જન્મસ્થળ કે તારીખ બદલવાની હોય છે.

પાસપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે અમે લગભગ 800થી વધુ એપ્લિકેશન સર્ચ કરતા હોઈએ છીએ જેમાં બેન, ભાઈ અને કુમાર સહિતના પ્રત્યય ઉમેરવા અથવા દૂર કરવા સાથે સંબંધિત કિસ્સાઓ સામે આવતા હોય. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતી હોવાના કારણે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પાસપોર્ટ સેવા કેન્દ્રને દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો જરૂરી ફેરફારો કરવાની સત્તા આપવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ આ કામ આરપીઓ દ્વારા હાથ ધરવામાં આવતું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.