વાણિજ્ય હેતુ માટેના પ્લોટમાં મંદિરનું બાંધકામ થતું હોવાની શંકા: 22 કરોડની 3,712 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં શહેરના રેલનગર વિસ્તારમાં ટીપીના વાણિજ્ય હેતુ માટેના પ્લોટમાં ગેરકાયદે ખડકાઇ રહેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ તોડી પાડી 22 કરોડ રૂપિયાની બજાર કિંમતની 3,712 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. મંદિર બનાવવા માટે ગેરકાયદે બાંધકામનો ધમધમાટ ચાલી રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં સમર્પણ પાર્ક સોસાયટી મેઇન રોડ પર ટીપી સ્કિમ નં.19 (રાજકોટ)ના ફાઇનલ પ્લોટ નં.25/એમાં કોર્પોરેશનના વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટ પર પ્લીન્થ લેવલનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અહિં મંદિર બનાવવાની ઇચ્છાથી આ બાંધકામ કરવામાં આવ્યુ હોવાનું શંકા સેવાઇ રહી છે. આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં પ્લીન્થ લેવલનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. વીજીલન્સ શાખાના બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરાયું હોય કોઇ માથાકૂટ સર્જાય ન હતી.