રાજયમાં વધતુ કોરોનાનું સંક્રમણ: એક દિવસમાં 70 કેસો નોંધાતા લોકોમા ફફડાટ
અબતક, રાજકોટ
ઓમિક્રોનના ધેરાતા સંકટ વચ્ચે રાજયમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જામનગરમાં એક જ દિવસમાં નવા 10 કેસો નોંધાયા છે જયારે રાજકોટમાં વેકિસનના બન્ને ડોઝ લેનાર ત્રણ વ્યકિતઓ કોરોનાથી સંક્રમીત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજયમાં ગુરૂવારે કોરોનાના નવા 70 કેસો નોંધાયા હતા કોવિડનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં આઠ મહાપાલિકા વિસ્તારોમાં આજથી પૂર્ણ થઇ રહેલી રાત્રિ કરફયુની અવધીમાં વધારો કરવામાં આવે અને કલાકો પણ વધારાય તેવી શકયતા નકારી શકાતી નથી. દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે આફ્રિકાના કોંગો સિટીમાંથી આવેલા યુવકનો ઓમિક્રોન વેરીઅન્ટનો રિપોર્ટ નેગેટીવ આવતા મોટી રાહત થવા પામી છે.ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે બુધવારે કોવિડના 67 કેસો નોંધાયા બાદ ગુરુવારે નવા 70 કેસો મળી આવ્યા હતા. જામનગર અને રાજકોટ સૌરાષ્ટ્રની ચિંતા વધારી રહ્યા છે. ગઇકાલે જામનગર શહેરમાં જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 10 કેસો નોંધાયા હતા જયારે રાજકોટ શહેર અને જીલ્લામાં નવા ચાર કેસો નોંધાયા છે. અમદાવાદમાં નવા 13 કેસ, વડોદરામાં નવા 1ર કેસ, સુરતમાં 9 કેસ, નવસારીમાં પાંચ કેસ, વલસાડમાં પાંચ કેસ, આણંદમાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, રાજકોટ શહેરમાં ત્રણ કેસ અને ગ્રામ્યમાં એક સહિત કુલ ચાર કેસ, ભાવનગરમાં બે કેસ, ગાંધીનગરમાં ર કેસ અને તાપીમાં એક કેસ નોંધાયો છે. હાલ રાજયમાં કોરોનાના એકિટવ કેસનો આંક 459 પહોંચી ગયો છે જે પૈકી 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 451 દર્દીઓ સ્ટેબલ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ગઇકાલે વધુ ર8 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે નવું એક પણ મોત નોંધાયું નથી. અત્યાર સુધીમાં 10095 લોકોને કોરોના ભરખી ગયો છે રિકવરી રેઇટ 98.74 ટકાએ પહોચ્યો છે.
રાજકોટ શહેરમાં બે દિવસ શાંત રહેલા કોરોનાએ ગુરુવારે ફરી માથુ ઉંચાકયુ હતું. કોરોનાની વેકિસનના બન્ને ડોઝ લેનાર ત્રણ વ્યકિતઓ કોરોનાથી સંક્રમિત થયા છે શહેરના વોર્ડ નં. રમાં શ્રોફ રોડ પર રહેતા 38 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પ્રોઝિટીવ આવ્યો છે તેઓ જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તેમના કોન્ટેકટમાં આવેલા 3 વ્યકિતઓ હાઇરિસ્ક પર અને 1ર વ્યકિતએ લો-રિસ્કમાં છે અને હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉ5રાંત વોર્ડ નં. 10 માં હનુમાન મઢીની બાજુમાં એક 78 વર્ષીય પુરૂષ કોરોનાના સકંજામાં સપડાયા છે તેઓ જામનગરની ટ્રાવેલ હિસ્ટી ધરાવે છે અને વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા છે જયારે વોર્ડ નં. 1 માં રૈયા રોડ 62 વર્ષીય પુરૂષ કોરોનાથી સંક્રમીત થયા છે તેઓ કોઇ ટ્રાવેલ હિસ્ટી ધરાવતા નથી. હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંક 42889 એ પહોચ્યો હાલ 1ર દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે એક વ્યકિતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.