સ્વ.નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની ૮૮મી જન્મજયંતી નિમિત્તે
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની ૮૮મી જન્મજયંતી ૨૯ ડીસેમ્બર ૨૦૧૯ ને રવિવારે સાંજે ૪.૩૦ કલાકે – ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે સ્મરણાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ) દ્વારા જૂનાં સદાબહાર ગીતો થકી સ્વરાંજલિ અર્પણ થશે. આ કાર્યક્ર્મને માણવા સહુ ભાવિકોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)એ અનુરોધ કર્યો છે. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા, આજીવન ખાદીધારી, સાદગીભર્યું-સાત્વિક જીવન જીવનાર સ્વ.નાનકભાઈ મેઘાણી ઉત્તમ પુસ્તકો યુવા પેઢી સુધી પહોચે તે માટે આજીવન કાર્યશીલ રહ્યા હતા.
કડીમાં અભ્યાસ કરતા પુત્ર-બેલડા મસ્તાન અને નાનકને સોળમું વર્ષ બેઠું તે નિમિત્તે ૧૮ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી પત્ર લખેલો.પોતાનાં દરેક સંતાનનાં જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા. સંતાનો પણ પોતાના જન્મદિવસે ‘બાપુજીની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતા. ભેટ-પુસ્તકોમાં લિ. ઝવેરચંદ તરીકે પિતા સહી કરવા જતા હતા. સ્વ. નાનકભાઈનું ૨૦ જૂલાઈ ૨૦૧૪ ના રોજ અમદાવાદ મુકામે નિધન થયું હતું. જ્યારે મસ્તાનભાઈ વડોદરા ખાતે નિવૃત્ત જીવન વિતાવે છે.