રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૩મી પુણ્યતિથિ અવસરે ધોળકા કલિકુંડ પાસે આવેલ શ્રી સરવસ્તી વિદ્યા સંકુલ ખાતે ‘સ્મરાંજલિ અર્પણ થઈ. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, આચાર્યા નીરૂબેન પરમાર, શિક્ષકગણ કલ્પેશભાઈ ઠક્કર, ધર્મેન્દ્રભાઈ પંચાલ, ઈલાબેન, કૈલાસબેન, નીતાબેન, ધર્મિષ્ઠાબેન, દિપાવલીબેન, નિકિતાબેન, ધ્વનિબેન તથા ધોરણ ૯-૧૧ની ૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિ રહી હતી.
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કાર્યમાંથી વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, અજરામર રેહશે તેવી સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીનીઓએ મેઘાણી-ગીતોનું સમુહ-ગાન કર્યું હતું. પિનાકી મેઘાણી, આચાર્યા નીરૂબેન પરમાર, શિક્ષકો કલ્પેશભાઈ ઠક્કર અને ધર્મેન્દ્રભાઈ પંચાલે વિદ્યાર્થીનીઓ સાથે જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. ઝવેરચંદ મેઘાણીના જીવનમાંથી પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ની ૭૫મી જન્મજયંતી વર્ષ (અહિંસા અમૃત વર્ષ) અંતર્ગત અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયોને સાંકળીને વિદ્યાર્થીનીઓ દ્વારા સામૂહિક નિબંધ લેખન-વાંચન પણ કરાયું હતું.
જેમની કર્મ-નિર્વાણભૂમિ ધોળકા રહેલી તેવા સંત-કવિ ભવાનીદાસજી (જોધલ પીરના શિષ્ય) રચિત ભજન ‘રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છેનો સમાવેશ ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણીમાં થયેલો છે જે ખાસ ઉલ્લેખનીય છે. લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોનાં સંગ્રહ ‘સોરઠી સંતવાણી’નું લેખન-કાર્ય પૂર્ણ થયું ને ૫૦ પાનાંના પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં, તેનાં બીજે દિવસે ૯ માર્ચ ૧૯૪૭ના રોજ ઝવેરચંદ મેઘાણીનું ૫૦ વર્ષની વયે બોટાદ ખાતે નિધન થયું. એમની પ્રથમ માસિક પુણ્યતિથિ (૯ એપ્રિલ ૧૯૪૭)ના રોજ આ પુસ્તક પ્રગટ થયું. ‘લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા.