રાજકોટમાં ચોથા માળેથી નિર્દોશ જનેતાને ફેંકી દેનાર નિષ્ઠુર પ્રોફેસર પુત્રને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કપૂત પ્રોફેસર પુત્રએ શહેરમાં દોઢ સો ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ પૂર્વે પથારીવશ વયોવૃદ્ધ માતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ કેસની વિગત અનુસાર દોઢ સો ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત શિક્ષિકા જયશ્રીબેન વિનોદભાઈ નથવાણી (ઉ.વ.64) તા.27.9.17 ના રોજ વહેલી સવારે એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી પડી ગયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પૂછતાછમાં બી.કે.મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં મૃતક જયશ્રીબેન નથવાણીના પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણીએ પોતાની માતા અગાસી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રોફેસર કપૂત પુત્રએ વૃધ્ધ-બિમાર માતાને એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ગબડાવી મોતને ઘાટ ઉતારી દીધા છે અને આ ઘટનાને આકસ્મિક ઘટના ખપાવવા સ્ટોરી ઉભી કરી હોવાની પોલીસમાં નનામી અરજી થઈ હતી.
જે નનામી અરજીના આધારે ડીસીપી કરણરાજ વાઘેલાએ તપાસ હાથ ધરતા સામે આવેલા સીસીટીવી ફૂટેજે સંદિપના ફીટકાર વરસાવતા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો અને ઘટના આકસ્મિક કે આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું ફલીત થઇ ગયું હતું. પુત્રએ જ પોતે માતાને મારી નાંખ્યાનું જાહેર થતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જનેતાને મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર પુત્ર સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જનેતાની હત્યાને આકસ્મિક ઘટનામાં ખપાવનાર પ્રોફેસર સંદિપ નથવાણીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મારા માતા સતત બિમાર અને પથારીવશ હોઇ તેની સેવા ચાકરી માટે મારે અને પત્નિને માથાકુટ થતી હતી. હું કોલેજ હોઉ ત્યારે પણ પત્નિનાં ફોન આવતાં કે બા માથાકુટ કરે છે.
સતત આવી લપ થતી અને બા કચ-કચ કરતાં હોઇ જેથી હું કંટાળી ગયો હતો. જેથી મેં રોજની લપમાંથી છૂટકારો મેળવવા માતાને અગાસી પર વોકિંગ કરાવવા અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવા માટે લઈ ગયો હતો. અને માતાને ઠંડા કલેજે ચોથા માળેથી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે સમગ્ર તપાસ બાદ માતાના હત્યારા પુત્રને જેલ હવાલે કર્યો હતો.
જનેતાની ઠંડા કલેજે હત્યા કરનાર પુત્ર સામેનો હત્યા કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો, આરોપીની બહેન અને બનેવી સહિત 28 લોકોના મૌખિક પુરાવા અને રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાને એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એન.દવેએ જનેતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર કપૂત સંદીપ નથવાણીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવતો હુકમ ફરમાવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવી છે.