- રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સ.ના સાંનિધ્યે પાસ્ટની મેમરી એટેકથી બચાવવાનો સંદેશ આપી રહ્યા પર્વાધિરાજ
પાસ્ટની મેમરીનું પોસ્ટમોટર્મ ન કરીને, પાસ્ટને ભૂલીને ફ્યુચરને બ્રાઇટ બનાવી લેવાનો પરમ બોધ પ્રસારીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાએલો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો દ્વિતીય દિવસ અનેક આત્માઓને દિલ-દિમાગ તરોતાજા અને હળવા કરી દેવાની માસ્ટર કી આપી ગયો હતો.
કુદરત નામના કારીગરે જ્યાં લીલુછમ સૌંદર્ય અને નીરવ શાંતિ જ્યાં ખોબલે-ખોબલે વેરી છે એવા પરમધામની પાવનધરા પર પરમ ગુરુદેવના સાંનિધ્યે પર્વની આરાધના કરીને ભવ સાર્થક કરી લેવા સમગ્ર મુંબઈ, નાસિક, માલેગાંવ, ધૂલિયા, મનમાડ, આકોલા, અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, કોલકત્તા, ઝરીયા, દિલ્હી, પંજાબ, લુધિયાણા, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ આદિ ભારતના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની આદિ 100થી વધુ દેશના મળીને હજારો ભાવિકો શ્રદ્ધા-ભક્તિભાવે જોડાઈ ગયાં હતાં.
આજના યુગના યંગસ્ટર્સ પણ પ્રભુનો બોધ સાંભળીને સત્યને પામે એવા શુભ હેતુ સાથે વહેલી સવારના સમયે વિશેષરૂપે યંગસ્ટર્સ માટે પરમ ગુરુદેવના શ્રીમુખેથી ઇંગ્લિશમાં બોધ પ્રવચન અને પ્રભુ ચરણમાં બાળક બની જવાની પ્રેરણા આપતી ઇનર ક્લિનિંગ કોર્સની ધ્યાન સાધના બાદ ડુંગર દરબારમાં ગૂંજી ઉઠ્યો હતો સિદ્ધ પરમાત્માની ધૂનનો નાદ.
પર્વના આઠ દિવસ દરમ્યાન ચાલી રહેલી “તુ હૈ તો” બોધ પ્રવચન સીરીઝના અનુસંધાને આજના દ્વીતિય દિવસે પરમ ગુરુદેવે અમૃત વચનો ફરમાવતાં કહ્યું હતું કે હાર્ટ એટેકથી પણ વધારે ડેન્જર છે. મેમરીનો એટેક કોઈ વ્યક્તિ પ્રત્યે અંદરમાં પડેલી નેગેટિવિટીનો મેમરી એટેક આવે એટલે ધર્મ ભૂલાય, સમભાવ ભૂલાય, સમતા ભૂલાય જાય અને હું ક્યા પદ કે સ્થાન પર છું તે પણ ભૂલાઈ જાય અને હસતી-ખીલતી વ્યક્તિ પણ એંગરમાં આવી જાય. પર્યુષણ એને જ ઉજવવા પડે જેને કોઈક સાથે પ્રોબ્લેમ છે પણ જેને કોઈની સાથે પ્રોબ્લેમ નથી એની માટે હરદિન પર્યુષણ હોય છે. પરમાત્મા કહે છે, જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યેના અણગમારૂપી મેમરીનો એટેક આવે ત્યારે તે વ્યક્તિના વખાણ રૂપી એન્ટી મેમરીના એટેકનો ઉપાય ધીમે ધીમે તે વ્યક્તિ પ્રત્યેની અણગમાની અને પ્રોબ્લેમની એલર્જી દૂર કરી દે છે, તે વ્યક્તિ પ્રત્યેના પ્રોબ્લેમની એલર્જી ધીમે ધીમે દૂર કરીને તેના પ્રત્યેનો સ્વીકાર ભાવ વધારી દે છે.
માટે જ, કોઈ વ્યક્તિ પ્રત્યેની અણગમાની અને પ્રોબ્લેમની એલર્જીની બેસ્ટ મેડીસીન તે, તે વ્યક્તિના ગુણોની પ્રશંસા છે. આ પર્વાધિરાજ આપણને સહુને અન્યની ભૂલોને, અન્યના અવગુણોને અને અન્ય પ્રત્યેના અણગમાની બેડ મેમરીને ભૂલીને કોઈપણ વ્યક્તિના ગુણ ગ્રાહક બનવાની શિક્ષા આપવા પધાર્યા છે.
વિશેષમાં, નિસર્ગના ખોળે શાંત વાતાવરણમાં પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે પર્વાધિરાજ પર્વની આરાધનાની ધન્યતા સાથે પરમધામના વિશાળ પ્રાંગણમાં 50,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં સર્જાએલાં અદભૂત કર્મ એક્ઝીબીશનને મુલાકાતી ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજના ઇતિહાસમાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજી અને 150થી વધુ કુશળ કારીગરોની કલા-કારીગરીના સમન્વયથી સર્જાએલું કર્મ સિદ્ધાંત આધારિત આ અદભૂત એક્ઝીબીશન મુલાકાતી ભાવિકોની જીવંતતાની અનુભૂતિ કરાવીને સત્યની પ્રતીતિ કરાવી રહ્યું છે.
પરમ ગુરુદેવના આત્મ ઊંડાણથી પ્રગટતી અમૂલ્ય જ્ઞાનધારા, સત્યને રિયલાઈઝ કરાવતા અનોખા પ્રેક્ટીકલ પ્રયોગો, જીવન સાર્થકતાની પ્રેરણા આપતાં ડ્રામા સાથે હજારો ભાવિકોની હૃદયધરા પર ધર્મ સંસ્કરણ કરીને વ્યતીત થએલાં પર્વાંધિરાજના આ દ્વિતીય દિવસ બાદ આવતીકાલે 03.09.2024 મંગળવારના પર્વના તૃતીય દિવસે વહેલી સવારના સમયે યુવાનો માટે વિશેષરૂપે પરમ ગુરુદેવના શ્રીમુખેથી ઇંગ્લિશ પ્રવચન બાદ સવારના 08:00 કલાકે ઇનર કલીનિંગ કોર્સ ધ્યાન સાધના સાથે ફરીને પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહેશે આત્માને ઉજાગર કરી દેનારા અપ્રતિમ ભાવો અને ઉપરાંતમાં પ્રસ્તુત થશે ફરીને એક નવી પ્રેરણા આપતું દ્રશ્યાંકન અને અનેરા પ્રેક્ટીકલ પ્રયોગો. પરમ ગુરુદેવના સાંનિધ્યે આયોજિત પર્વના દરેકે દરેક કાર્યક્રમ અને દરેક આરાધનામાં જોડાઈને આત્મહિત કરી લેવા દરેક ધર્મપ્રિય ભાવિકોને પરમધામ, વાલકસ ગામ, તાલુકો- કલ્યાણ, જીલો-થાણે, મહારાષ્ટ્ર ખાતે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.