ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ઉદ્યોગપતિ શનિ કિરણસિંહ ડોડિયાના ઘરમાં રાજસ્થાનના ગંગાનગરના સુરતગઢની દેવિકાબેન નામની નોકરાણીએ હાથફેરો કરીને 32 હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી 4.78 લાખની માલમતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો હતો. ચોરીના દાગીના તેણે ભારતનગર મેઈન માર્કેટમાં આવેલી અંબિકા જવેલર્સ નામની શોપમાં વેચ્યાં હતા અને તેમાંથી તેને ૩.૮૫ લાખ રૂપિયા મળ્યાં હતાં. એ જ રીતે, નજીકમાં આવેલ કુંદન જવેલર્સમાં તેણે ૭૫ હજાર રૂપિયામાં ત્રણ દાગીના વેચ્યા હતા તો ભારતનગરથી મહેશ્વરીનગર જતા રોડ પર આવેલ શિવશક્તિ જવેલર્સમાં ૨.૧૦ લાખ રૂપિયામાં ચેઈન, બુટ્ટી અને પરચુરણ દાગીના વેચ્યાં હતાં.
ત્રણે જવેલર શોપના સોનીઓએ દાગીનાના બિલ કે આધાર પૂરાવા માગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછાં રૂપિયા આપીને આ ચોરીના દાગીના ખરીદયાં હતાં.એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપણ દેવિકા સહિત જવેલર્સ પેઢીના બે સંચાલકો રતિલાલ ચુનીલાલ સોની તથા જગદીશ કુમાર બાબુલાલ સોની અને એક જ્વેલર્સ પેઢીનો કર્મચારી ઈમારતા રામ ગોપી રામ, સામે પણ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી,ગતરોજ તપાસનીશ અધિકારી એ ડિવિઝન પીએસઆઇ એમ એચ જાડેજા દ્વારા કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અહેવાલ: ભારતી માખીજાણી