તમામ અવશેષોને મંદિર બની ગયા બાદ દર્શનાર્થે મુકાશે
અબતક, નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં મંદિરનું ઉદ્દઘાટન કરવાના છે. તેવામાં ખોદકામ વખતે પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે. જેમાં એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ છે. જેને મંદિરમાં દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી. તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં મળી આવેલા અવશેષો દેખાઈ રહ્યા છે.
આવુ પ્રથમ વખત બન્યું છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓની ફોટો સામે આવ્યો છે, જેમાં એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. ફોટોમાં મંદિરમાં લાગનાર સ્તંભો પણ જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ખોદકામ દરમિયાન મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે.
અયોધ્યામાં જયારે મંદિરનું નિર્માણ શરુ થયું હતું ત્યારે 40થી 50 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરના ખોદકામ દરમિયાન આ તમામ વસ્તુઓ મળી આવી હતી, જે હિન્દુ પક્ષના દાવાને વધુ મજબૂત બનાવે છે. ASIના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી. મંદિર-મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ અંગે સંજ્ઞાન પણ લીધું હતું. ઉલ્લેખનીય છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે. જાન્યુઆરી સુધી મૂર્તિ સ્થાપિત થઇ જશે જે પછી ભક્તો દર્શન કરી શકશે.