ધાર્મિક સ્થળોએ સૌથી વધુ ભીડ એકત્ર થતી હોય માટે  ખાસ તકેદારી રખાશે : શહેરના વિવિધ ધર્મના આગેવાનોએ મુખ્યમંત્રીને વીડિયો કોન્ફરન્સમાં આપ્યા સૂચનો

સોમવારથી શહેરના મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિતના ધાર્મીક સ્થળો તેમજ મોલ્સ અને રેસ્ટોરન્ટ ખુલવાના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ધાર્મિક સ્થળોમાં સૌથી વધુ ભીડ એકત્ર થતી હોય માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. આ માટે આજે શહેરના વિવિધ ધર્મના આગેવાનોએ મુખ્યમંત્રીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુચનો આપ્યા હતા.

અનલોક-૧માં ધાર્મિક સ્થળો, મોલ્સ અને રેસ્ટોરન્ટને ખોલવાની છૂટ આપવામાં આવી ન હતી. આ માટે કેન્દ્ર દ્વારા તા. ૮ને સોમવારે ગાઈડલાઈન જાહેર કરાય પછી છૂટ આપવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. જે મુજબ તા.૮થી ધાર્મિક સ્થળો, મોલ્સ અને રેસ્ટોરન્ટને સોમવારથી છૂટ મળી જાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જેને લઈને અત્યારથી જ રાજ્ય સરકારે તમામ જિલ્લા મથકો ખાતેથી વિગતો મંગાવી લીધી છે. અને એસઓપી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ એસઓપી જાહેર થયા બાદ તે મુજબ દરેક જિલ્લામાં તેની અમલવારી કરાવવામાં આવનાર છે.

ખાસ કરીને મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોએ દરરોજ ભાવિકોની ભીડ રહેવાની સંભાવના હોય રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈએ રાજકોટના વિવિધ ધર્મના આગેવાનો સાથે પણ વાતચીત કરી તેઓના સુચનો જાણ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી મંદિરો ખુલશે તેવી જાહેરાત સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને દ્વારકાધીશ મંદિર દ્વારા અગાઉ જ કરી દેવામાં આવી છે જયારે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનાં તમામ મંદિરો ૧૫મી જુન સુધી બંધ રહેશે. જયારે વિરપુરમાં આવેલું જલારામ મંદિર પણ ૧૫મી જુન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અઢી મહિનાનાં લાંબા અંતરાળ બાદ મંદિરો ખુલશે પરંતુ ભાવિકોએ અનેક સાવચેતી સાથે ભગવાનનાં દર્શન કરવાનાં રહેશે.

ભાવિકોએ ધાર્મિક સ્થળોએ કેવી તકેદારી રાખવી પડશે

  • ભાવિકોને પ્રસાદ નહીં મળે
  • ભગવાનના ચરણ સ્પર્શ કરી શકાશે નહીં
  • પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે
  • બુટ, ચપ્પલ પરિસર બહાર કે ગાડીમાં જ રાખવા પડશે
  • ભાવિકો ઘંટ વગાડી નહીં શકશે નહિ
  • ધાર્મિક ગ્રંથ કે અન્ય કોઈ પણ વસ્તુને સ્પર્શ નહીં કરી શકાય
  • માસ્ક, સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.