દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય એસજીવીપીનો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ગોપબન્ધુ મિશ્રા, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીઈઓ રાકેશભાઈ આર. વ્યાસ, અમદાવાદ એજયુકેશન ઈન્સ્પેકટર કલ્પેશભાઈ રાવલ, ગુજરાત અધ્યાપક મંડળના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, કેનેડાના રવિન્દ્રભાઈ ત્રિવેદી, દર્શનમ્ ના ડાયરેકટર આચાર્ય રામપ્રિયજી વગેરેએ દીપ પ્રાગટય કરી મહોત્સવનો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે સ્વામીએ મહાકવિ ન્હાનાલાલે લખેલ સંદર્ભને ટાંકીને જણાવ્યું હતું કે, એક સમયે એક બાજુ મેકાલે ભારતીય પરંપરાઓને તોડવા માટે આયોજન કરી રહ્યો હતો એજ વખતે નાના-મોટા રાજા-મહારાજાઓ અને ભારતીય મઠ-મંદિરો ભારતીય શાસ્ત્રોની રક્ષા કરી રહ્યા હતા. આમાં ગુજરાતના નાના-મોટા રાજાઓનો સહયોગ પણ ઐતિહાસિક રહ્યો છે. સંસ્કૃતના વિદ્ધાનો અને કવિઓ રાજસભાના શણગાર રહેતા. મઠ-મંદિરો પારંપરીક શાસ્ત્રોના અભ્યાસનું જતન કરતા. રાજા-મહારાજાઓ પુરસ્કાર આપી સંસ્કૃતના વિદ્ધાનોને પ્રોત્સાહિત કરતા, પરિણામે ભારતીય સંસ્કૃતિના મુળ સમાન શાસ્ત્રો સચવાઈ રહ્યા, મેકાલે ફાવ્યા નહીં.
ગુલામી કાળમાં મેકાલેની નીતિ સફળ ન રહી પરંતુ દુર્ભાગ્યે આઝાદીકાળે અંગ્રેજછાપ ભારતીય બૌદ્ધિકોએ મેકાલેની નીતિને સફળ કરી. ભારત આઝાદ થયા પછી સંસ્કૃત જેવી વિશ્ર્વની મહાન ભાષા ઉપેક્ષિત રહી. ધર્મસ્થાનો અને સરકારની જુગલબંધી આ વારસાનું રક્ષણ કરી શકે છે. સરકારોએ સંસ્કૃતના વારસાને સાચવવા માટે સહયોગ આપવો જ જોઈએ.
સંસ્કૃત પ્રાઘ્યાપક મંડળના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે ગુજરાતમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારની દયનીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો અને આ વારસાને સાચવવામાં સહયોગ આપી રહેલ એસજીવીપી, સાન્દિપની, ભાગવત વિદ્યાપીઠ-સોલા, બ્રહ્મર્ષિ વિદ્યાલય-નડિયાદ વગેરે સંસ્થાઓનો આભાર માન્યો હતો. કુલપતિ પોતાના ભાષણમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, રવિન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણાધિકારી તથા આચાર્ય રામપ્રિયજી વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ પ્રસંગે ઋષિકુમાર લખન દવેનું વર્તમાન વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અને હેમંતભાઈ શર્માનું વર્તમાન વર્ષના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રધાનાચાર્ય અર્જુનજીએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજુ કયારે હતો. સંસ્કૃતના વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં સ્વાગત નૃત્ય, ધ્રુવ નાટિકા અને શિવસ્તુતિ સાથેના યોગાસનોના પ્રયોગો બતાવી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે પધારેલ માતા-પિતાઓનું ઋષિકુમારોએ પુજન કર્યું હતું જે દ્રશ્ય અતિ ભાવવાહી હતું.