ગાંધીજીની શિક્ષણ પધ્ધતિમાં ધર્મને સ્થાન અનિવાર્ય હતું, વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં નર્યા રાજકારણનાં આટાપાટા છે: પરિણામે નવી પેઢી માત્ર હોશિયાર શેતાન અને ભારતીય સંસ્કૃતિ તથા વૈદિક સભ્યતાથી વંચિત રહેવાનો સંભવ નિશ્ર્ચિત: આપણા દેશની રાજસત્તા અને ધર્મસત્તા ખેદાનમેદાન થશે ત્યારે ભારતીયતાનો લોપ થવાનાં પાપનો આપણી ઉગતી પેઢી હાલના શાસકો તેમજ ધરમ કરમના કહેવાતા થાંભલાઓ પાસે જવાબ માગશે એ રખે કોઈ ભૂલે !
ગાંધીજી અને એમની વિચારધારાની સરિયામ અવગણનાનાં પરિણામો અંગે વિલંબ વિના આત્મખોજ કરવાનો સમય હવે પાકી ગયો છે, નવા મનુષ્યોને જન્માવ્યા વિના અને હાલના વંઠેલા સમાજને સમૂળગો બદલી નાખવાનો ધર્મ બજાવવા નવા ગાંધીસમા દેવદૂતોને ઘડી લીધા વિના છૂટકો નથી !
ગુજરાતનાં ખ્યાતનામ કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસે એક ગીતમાં એમ લખેલું કે, ‘જોજે જુવાન રંગ જાય ના’
રંગ એવો રાખજે કે, રંગ તારો રહી જાય
સ્વર્ગેથી પૂર્વજોની આંતરડી ટાઢી થાય…
રંગ એવો રાખજે કે,
ધોર્યો એ કોઈથી ધોવાય ના
જોજે જોજે જુવાન રંગ જાય ના’
એ જમાનો રાણા પ્રતાપનો હતો
એ જમાનો છત્રપતિ શિવાજીનો હતો-
એ જમાનો રણચંડી લક્ષ્મીબાઈનો હતો-
જેમણે અનાર્યો અને અંગ્રેજ જુલ્મગારોની સામે, કોઈપણ જાતની રાષ્ટ્રવિરોધી લાલચોને વશ થયા વિના અને લગીરે હિચકિચાટ વગર ઠોકરે મારીને પ્રાણના છેલ્લા શ્ર્વાસ સુધી ધાણીફૂટ ગોળીઓ વચ્ચે લડાઈઓ લડી હતી. એ જમાનો રણબંકાઓનો હતો, બહાદૂરોનો હતો, શૂરવીરોનો હતો.. આપણા કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસે આવા જુવાનોને હાકલ કરી હતી. સ્વર્ગેથીએ પૂર્વજોની આંતરડી ઠરે એવો રંગ રાખી શકતા જુવાનોને તેમણે હાકલ કરી હતી.
આપણા દેશમાં મડદાંનેય બેઠા કરી દે એવા કવિઓ હતા. ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગની વાણી પણ કયાં ઓછી કસુંબલ હતી…
એમણે લખ્યું ‘સમશાને મડદાંનાં કોને જઈ કીધું, ને મડદાં જગાડી બેઠો વાણિયો…’
આ વાણિયો તે મહાત્મા ગાંધી… નોખી માટીનો મહાત્મા ગાંધી..
આવા મહાત્મા ગાંધીજીની શિક્ષણ પધ્ધતિમાં ધર્મને સ્થાન હતુ, અને તેને આવશ્યક-અનિવાર્ય ગણાવાયું હતુ.
આ મહાત્માનો એવો સ્પષ્ટ હતો કે, ધર્મને જેમાં સ્થાન ન હોય એવી શિક્ષણ પધ્ધતિથી નવી પેઢી માત્ર હોશિયાર શેતાન બનશે અને ભારતીય સંસ્કૃતિ તથા વેદકાળની ભારતીય સભ્યતાથી એ વંચિત રહેશે… આપણા દેશની રાજસત્તા અને ધર્મસત્તા આવી નર્યા ‘રાજકારણ’થી ખદબદતી શિક્ષણ પધ્ધતિથી ખેદાનમેદાન થશે, એનાથી ભારતીયતાની અસલિયતનો બેહૂદો લોપ થશે, અને આપણી ઉગતી પેઢી આવાં ‘પાપ’નો આપણા હાલના શાસકો તેમજ ધરમકરમનાં કહેવાતા થાંભલાઓનો જવાબ માગશે.
એક આખી પેઢી, અર્થાંત દેશના આવતીકાલના હજારો નાગરિકો આપણી સંસ્કૃતિ સાથે સુમેળ સાધે એવા નહિ બની શકવાની જબરી ઉણપ ભોગવવી પડશે. વળી, ભારતની શિક્ષણ પધ્ધતિની સમસ્યામાં ઘણે ભાગે આર્થિક સમસ્યા પણ નિહિત બને છે. અને એકમેકની સાથે એનાં તાણાંવાણાં પણ રહ્યા કરે છે.
મહાત્માએ એને સ્વનિર્ભર સ્વરૂપ આપવાની હિમાયત કરી હતી.
ભારતીય સંસ્કૃતિ સર્વત્ર ધર્મની સાથે અનુપ્રાણિત છે. અને ધર્મનું સ્વરૂપ વ્યાપક હોવાથી એની ગેરહાજરી ચલાવી લેવાય એવી નથી રહેતી. ભારતમાં કોઈ એક રાજયધર્મ રાષ્ટ્રધર્મ નથી, એ સર્વવ્યાપી અને સર્વસ્વીકૃત છે. આપણી તમામ મહત્વની કામગીરી અને ગતિવિધિઓ સાથે એ સંકલિત અને સંચલિત રહે છે. ગાંધીજીની શિક્ષણ પધ્ધતિમાં ધર્મનું સ્થાન અનિવાર્ય ગણાયું છે. આપણી સંસ્કૃતિનો એ પ્રાણ છે, એટલે આપણી શિક્ષણ પધ્ધતિનો પ્રાણ પણ એજ છે.
કમનશીબે આપણા વર્તમાન રાજકર્તાઓએ આપણી શિક્ષણ પધ્ધતિને આડેધડ હડસેલ્યા કરી છે. અને ચૂંટયા કરી છે. આપણે દેશ કોરોનાગ્રસ્ત બન્યા પછી અને તેને લગતા લોકઆઉટ સહિતા વિવિધ પગલાઓ, કોઈ વિદ્યાપતિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ પંડિતો વગેરે સાથે સલાહ સૂચના કર્યા વગર આપણા શિક્ષણ જગત અને વિદ્યાર્થી આલમ પર નિરંકુશ પણે ઠોક બેસાડાયા છે.તેની દુષ્કૃત્યતાનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. ઓનલાઈન ભણતર પ્રથામાં, વધુ સાનુકુળતાઅને સાર્થકતા લક્ષી સુધારા-વધારા નહિ થાય તો આપણા દેશને સારી વિશ્ર્વકક્ષાની વિદ્યાપીઠો-યુનિવર્સિટીઓની જબરી ખોટ રહેશે અને ‘નોલેજ’ના ભંડારની ગંગોત્રી-જમુનોત્રી શોધવા જવું પડશે, એમ કહ્યાવિના છૂટકો નથી.
ચાણિકયો આખરે તો જ્ઞાન-વિજ્ઞાન-મુત્સદ્દીગીરી વડે સર્જાય છે. માત્ર રાજકારણનાં સંકુચિત આટાપાટાઓમાંથી જ ચાણકયો જન્મતા નથી.
શ્રી કૃષ્ણ જેવું ભણતર પામવા માટે સાંદિપની આશ્રમની જરૂર પડે, ગાંધીજીના શબ્દોમાં કહીએ તો હોશિયાર શેનાનોની નહિ !… આપણા દેશ અનેક પડકારોથી ઘેરાઈ ચૂકયો છે..
એકવાકયતા અને સામૂહિક દેશભકિત વગર, સાક્ષરો, અર્થશાસ્ત્રીઓ, ચાણકયો અને ધર્મના પ્રાણ સમા મહારથીઓ વિના આ દેશને નહિ ચાલે !