ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો રદ્દ કરાયો : જામીનના સમયગાળા દરમિયાન તિસ્તા સેતલવાડનો પાસપોર્ટ જમા રાખવા આદેશ
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના કેસોમાં કથિત રીતે બનાવટી પુરાવાઓ મામલે દાખલ કરાયેલી એફઆઈઆરના સંબંધમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની નિયમિત જામીન મંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે 1 જુલાઈએ આપેલા આદેશને રદ કર્યો છે, જેમાં તિસ્તાને જામીન આપવાનો ઈન્કાર કરાયો હતો.
સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે, જામીનના સમયગાળા દરમિયાન તિસ્તા સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા રહેશે. ઉપરાંત તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈપણ પ્રયાસ નહીં કરે અને તે સાક્ષીઓથી દુર રહેશે, જે મોટાભાગે ગુજરાતમાં છે. જો તે આ શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટે 2 સપ્ટેમ્બર-2023ના રોજ તિસ્તા સેતલવાડને એક મહિલા હોવાના આધારે વચગાળાના જામીન આપ્યા હતા અને આ કેસ 2002નો છે અને તેના મોટાભાગના પુરાવા દસ્તાવેજી છે. આ શરતો આજે પણ યથાવત્ હોવાનું ધાયને આવતા કોર્ટે તીસ્તાની જામીન અરજી મંજૂર કરી. ગયા વર્ષે 25 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તિસ્તા સેતલવાડ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને ડીજીપી આરબી શ્રીકુમાર સામે નકલી દસ્તાવેજો બનાવવાના કાવતરાનો કેસ નોંધ્યો હતો. સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે, જ્યારે તિસ્તા અને શ્રીકુમારની ગયા વર્ષે ધરપકડ કરાઈ હતી.
સેશન્સ કોર્ટે 30 જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજીઓ ફગાવતા જણાવ્યું હતું કે, જો તેમને મુક્ત કરવામાં આવશે તો લોકોને એવો સંદેશ પહોંચશે કે, કોઈ વ્યક્તિ સજા વગર આરોપ લગાવી શકે છે અને બચી શકે છે. હાઈકોર્ટે તેમની અરજીને ધ્યાનમાં લેવાનો ઈન્કાર કર્યા બાદ તેમણે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.