માર્ચ-૨૦૨૦ સુધીમાં બાકી વેરો ભરપાઈ થઈ જાય તે રીતે ડયુ ડેટના ચેક આપવા પડશે
મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા હાલ એક લાખ કે તેથી વધુની રકમ બાકી હોય તેવા બાકીદારોને કોઈ જ પ્રકારની રાહત આપવામાં આવતી નથી. તમામ પેમેન્ટ એક સાથે ભરપાઈ કરવા ફરજ પાડવામાં આવે છે અથવા મિલકત સીલ કરી દેવામાં આવે છે. વર્ષો જુનું કરોડો રૂપિયાનું માંગણુ છુટુ થાય તે માટે ટેકસ બ્રાંચે હવે એક લાખ કે તેથી વધુની રકમ બાકી હોય તેવા બાકીદારોને હપ્તા કરી આપવાનું નકકી કર્યું છે. આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટેકસ બ્રાંચ દ્વારા વર્ષો જુનો બાકી વેરો છુટ્ટો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં એક લાખ કે તેથી વધુની બાકી રકમ હોય તેવા બાકીદારોને વેરા પેટે હપ્તા કરી દેવામાં આવશે. માર્ચ-૨૦૨૦ સુધીમાં તમામ વેરો ભરપાઈ થઈ જાય તે રીતે ડયુ ડેટના ચેક લઈ લેવામાં આવશે. રોકડ વેરો ભરવા ઈચ્છનાર બાકીદારોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. આ નવી સિસ્ટમથી કોર્પોરેશનનું માંગણું પણ છુટુ થઈ જશે અને બાકીદારો સરળતાથી હપ્તા પણ ભરપાઈ કરી શકશે.