ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે

બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે

રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાનીની સહાય મળશે

માવઠાના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતોને રાહત મળી છે. સરકારે અત્યાર સુધીની સૌથી વધુ સહાય જાહેર કરી છે. જે મુજબ રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાનીની સહાય મળશે.

માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે એસડીઆરએફ ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે એસડીઆરએફ ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં એસડીઆરએફના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.