મે રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહે મને આવુ ન કરીને સુપ્રીમમાં જવાની પ્રેરણા આપી હતી : ભુપેન્દ્રસિંહ
ગેરીરીતિ આચરીને ચૂંટણી જીતવા મામલે હાઇકોર્ટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને ગેરલાયક ઠેરવી ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેની આજે સુનવણી હતી. સુપ્રિમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત આપતાં હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મંત્રીપદ બચી ગયું છે.
અત્રે નોંધનીય છે કે ધોળકાના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ગેરરીતિ આચરી ચૂંટણી જીતવાનો આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.આ બાદ ધોળકા ચૂંટણી રદ કરવાનો હાઇકોર્ટે આદેશ કરી કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી જ કરાઈ નહોતી જેથી વિવાદ સર્જાયો હતો.
હાલ સુપ્રીમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત આપી છે. જે મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓએ હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને રાજીનામુ ધરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેઓને રાજીનામુ ન આપીને સુપ્રીમમાં જવાનું કહ્યું હતું. જેના પગલે તેઓ સુપ્રીમમાં ગયા હતા. અને તેઓ સુપ્રીમે હાઇકોર્ટના ઓર્ડર ઉપર સ્ટે મૂકી દીધો છે. અને અંતે સત્યની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમે હાઇકોર્ટના ઓર્ડર ઉપર સ્ટે મુકતા નેતાઓએ ટ્વીટર ઉપર ટ્વીટની સરવાણી વ્હાવી હતી. મુખ્યમંત્રી મંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે હાર નથી થતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ખુદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ટ્વીટ કર્યું હતું.