મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત કરવાનો કેબીનેટ બેઠકમાં લેવાયો નિર્ણય: લોકોને હાશકારો
રાજયનાં કરોડો લોકોને રાહત આપતો નિર્ણય આજે કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત જાહેર કરી દીધું છે. આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ટ્રાફીકના આકરા દંડન અમલવારી કરવામાં આવી હતી. પરંતુ રાજય સરકારે આ નિયમો થોડા અંશે હળવા કરીને તેની અમલવારી કરી હતી. જોકે તેમ છતા ગુજરાતની જનતાને નવો દંડ આકરો લાગ્યો છે. ખાસ કરીને હેલ્મેટ પહેરવાનાં નિયમ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. હાઈવે ઉપર વાહનની સ્પીડ વધુ હોય છે. જેથી ત્યાં હેલ્મેટ પહેરવું જરૂરી બને છે. પરંતુ શહેરી વિસ્તારમાં વાહનની સ્પીડ ધીમી હોય છે. જેથી શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત કરવા સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હેલ્મેટને લઈને લોકજુવાળને ધ્યાને લઈને કોંગ્રેસે પણ આ મુદા ઉપર વજન મૂકી સરકાર સામે બાથ ભીડવાનું શરૂ કર્યું હતુ. કોંગ્રેસે તાજેતરમાં રાજકોટનાં ૪૦ હજારથી વધુ લોકોની સહી કરાવીને હેલ્મેટ સામે વિરોધ કરવા સહી ઝુંબેશ ચલાવી હતી.
શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાથી લોકોને ઘણી મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી આમ હેલ્મેટનાં કાયદા સામે ભભૂકેલા રોષને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલી કેબીનેટ બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં હેલ્મેટને નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં મરજીયાત જાહેર કરી દેવાયું છે. જેથી હવે નગરપાલીકા અને મહાનગરપાલીકા સિવાયના વિસ્તારમાં જ ફરજીયાત પણે હેલ્મેટ પહેરવું પડશે.
વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટના નિયમને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. સોશિયલ સાઈટો ઉપર પણ લોકો રોષ ઠાલવી રહ્યા હતા. ઉપરાંત લોકો તરફથી આ મુદે ઉગ્ર રજૂઆતો પણ મળી રહી હતી. આ રજૂઆતોને પગલે સરકારે વિચારણા કરીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મૂકતી આપી છે.