- આકરી ગરમીમાં રાજ્ય સરકારનો શ્રમિકો માટે મહત્વનો નિર્ણય
- બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય
- જૂન 2025 સુધી આદેશનું કરવું પડશે પાલન
ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થયું છે. આને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ના કરાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી આકરો તાપ પડી રહ્યો છે અને લગભગ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી જતા જનજીવનને પર અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ હીટવેવના પગલે અસંગઠિત ક્ષેત્રોમાં અને ખુલ્લામાં કામ કરતા શ્રમિકો પાસેથી બપોરના સમયગાળા દરમિયાન કામ ના લેવા આદેશ આપ્યો છે. જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે તેવું પણ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર, બપોરે 1:00 થી 4:00 વાગ્યાના સમયગાળા શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામના કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સુર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025સુધી કરવાનું રહેશે. માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ આદેશ જારી થતા જ શ્રમિકોને આજથી જૂન મહિના સુધી ભરબપોરે કામગીરીમાંથી મોટી રાહત મળી છે. સંભવત જૂન મહિનામાં સામાન્ય વરસાદ જોવા મળતા વાતાવરણ ઠંડક જોવા મળે છે. એટલે જૂન મહિના સુધી શ્રમિકો બપોરે આરામ કરી શકશે અને દિવસ તેમજ સાંજે કામગીરી કરી શકશે.
આગામી દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, એપ્રિલના હજુ બે સપ્તાહ પણ પૂરા થયા નથી, ત્યાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે (10મી એપ્રિલ) કંડલા એરપોર્ટે 46 ડિગ્રીની આગ વરસાવતી ગરમીમાં શેકાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના તાપમાનમાં સળંગ ચોથા દિવસે વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોને મતે પણ રવિવાર સુધી ગરમીમાં આંશિક ઘટાડો થશે. પરંતુ સોમવારથી ફરી ગરમીનું પ્રમાણ વધવા લાગશે.