કોર્પોરેશન દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન આપવા યોજાઈ ખાસ ડ્રાઈવ: ૮૩ લોકોને રેનબસેરા અંગે માહિતી અપાઈ
શિયાળાની કાતિલ ઠંડીમાં રાજમાર્ગોની ફુટપાથ ઠુંઠવાતા ગરીબ લોકો ઠંડીનો શિકાર ન બને તે માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા મહાપાલિકા તંત્રના અધિકારીઓને રાત્રીના સમયે ખાસ ડ્રાઈવ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ઘરવિહોણા ૧૧ લોકોને રેનબસેરામાં આશ્રય આપવામાં આવ્યો હતો ત્યારે ૮૩ લોકોને રેનબસેરાની માહિતી આપવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખી રાત્રીના સમયે ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાનોનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે શહેરના મુખ્ય માર્ગો અને આશ્રય સ્થાનોની આજુબાજુમાં ફુટપાથ, રસ્તાઓ અને ખુલ્લામાં સુતા લોકો માટે ખાસ ડ્રાઈવ પ્રોજેકટ શાખા અને ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં સત્ય નામ રત્નાત્મક વિકાસ મંડળ અને વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે બાલાજી હનુમાન, સિવિલ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, શાસ્ત્રી મેદાન, રેસકોર્સ, એરપોર્ટ ફાટક અને રૈયારોડ ફાટક સહિતના વિસ્તારોમાં વિજીલન્સ અને પ્રોજેકટ વિભાગની ટીમને સાથે રાખી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮૩ લોકોને રેનબસેરા અંગે માહિતી અપાઈ હતી અને ૧૧ લોકોને રેનબસેરામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.