અત્યાર સુધીમાં ઓમિક્રોનનો માત્ર એક જ પોઝિટીવ કેસ નોંધાયો, તેમના સંપર્કમાં આવેલા 2 લોકોના રિપોર્ટ કાલે જાહેર થશે
અબતક, રાજકોટ
કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતા ભયનો માહોલ છવાયો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આમે આવ્યા છે. વડોદરા અને સુરેન્દ્રનગરમાં વિદેશથી આવેલા બે નાગરિકો શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. પણ આ બન્નેના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ પણ હાંશકારો અનુભવ્યો છે. ગુજરાતમાં ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી બાદ આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધના ગત શનિવારે આવેલા ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ બાદ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મોટાભાગના જિલ્લાઓમાં ઓમિક્રોન વોર્ડ પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ અરસામાં સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં પણ ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાં લીંબડીમાં આફ્રિકાથી આવેલાં ફીદાયબાગ વિસ્તારમાં રહેતાં 42 વર્ષના યુવાનને થોડા સમય પહેલાં કોરોનાં પ્રોઝિટીવ આવતાં તેના ઓમિક્રોન સંદર્ભેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટ નેગેટિવ આવતા લોકોને રાહત થઇ છે. આવી જ રીતે પુણે ખાતે એક સેમ્પલ વડોદરાથી પણ મોકલવામાં આવ્યું હતું. તે પણ નેગેટિવ જાહેર થયુ છે. બીજી તરફ જામનગરના ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા સબંધીઓના રિપોર્ટ કરાયા હતા જેમાં તેના પરિવારના બે વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. બંનેના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જામનગરની કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામા આવ્યા છે.બંને દર્દી ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડ પોઝિટિવ કેસનાં વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આ બે વ્યક્તિના રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના હોવાનું જાણવા મળ્યું છે.